આજવાથી ૧૨૫ એમએલડી પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારને અપાશે | From today 125 MLD water will be provided to the eastern and southern areas

![]()
મ્યુનિ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મ્યુનિ. કમિશ્નરની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જાળવવા છેલ્લા ૧૫ દિવસમાં જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી રૂ. ૨૮ લાખ પેનલ્ટી વસૂલવામાં આવી છે. જાહેરમાં થૂંકનાર અને ગંદકી ફેલાવનાર સામે દંડની કાર્યવાહી માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરીશું.
આ ઉપરાંત આગામી એક મહિનામાં શહેરની અંદાજે ૪૦૦ સોસાયટીઓમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાશે. ગરમીનું પ્રમાણ વધતા નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. વર્ગ-૧થી ૩ના અધિકારીઓને ફિલ્ડમાં રહી કામગીરીની મોનીટરીંગ કરવા પણ સૂચના આપી છે.
શહેરમાં રોડ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ અંગે લોકો પાસેથી સીધો ફીડબેક મેળવવાની વ્યવસ્થા પણ કરાશે. રોડના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
શહેરમાં ચાર વ્હીકલ પુલ પર ચાર ફ્યુઅલ સ્ટેશન બનાવવાનું આયોજન છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજવાથી ૧૨૫ એમએલડી પાણી શહેરમાં લાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી એકાદ મહિનામાં લાઈન જોડાણની કામગીરી પૂર્ણ થતાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારને વધુ પાણી પૂરું પાડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.


