દુબઈમાં ખળભળાટ: બુર્જ ખલીફા નજીક ડ્રોન વિસ્ફોટ, બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં | Dubai government media office statement on explosion near Burj Khalifa

![]()
Explosion near Burj Khalifa: દુનિયાની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ની નજીક ડાઉનટાઉનમાં એક ડ્રોન વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત(UAE)માં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મધ્ય દુબઈના વ્યસ્ત વિસ્તારોની નજીક સ્થિત અલ બદા’આ નજીક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ એક શક્તિશાળી ધડાકો સાંભળ્યો હતો અને ત્યારબાદ વિસ્તારમાં ઇમારતો ઉપર નાના ધુમાડાના વાદળો ઉછળતા જોયા હતા.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. ઈરાન અને તેના સમર્થિત જૂથો દ્વારા અખાતી દેશોમાં સ્થિત વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવાની આશંકાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.
દુબઈમાં ડ્રોન હુમલો: હાઇ-રાઇઝ બિલ્ડિંગમાં મોટું ગાબડું, કોઈ જાનહાનિ નહીં
દુબઈના ક્રીક હાર્બર વિસ્તારમાં ગુરુવારે સવારે એક હાઇ-રાઇઝ બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાયા બાદ ઇમારતમાં મોટું ગાબડું પડી ગયું હોવાની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. દુબઈ ગવર્મેન્ટ મીડિયા ઑફિસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે આ ઘટના બની હતી અને ઇમારત પર ડ્રોન પડતાં જ આગ ફાટી નીકળી હતી, જે અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. હાલમાં સત્તાધીશો આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ કરી રહ્યા છે.
મિડલ ઈસ્ટના દેશો અત્યારે ગંભીર સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છે. ડ્રોન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓએ સંરક્ષણ નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે, કારણ કે આર્થિક રીતે સમૃદ્ધ એવા દુબઈ જેવા શહેરો પર તેની સીધી અસર પડી શકે છે.
અમેરિકા આ સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં જો અન્ય દેશો ખેંચાય તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે, તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. અહેવાલ મુજબ, આ વિસ્ફોટથી થયેલા નુકસાન અને જાનહાનિ વિશે હજુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને તેનો હેતુ શું હતો.


