दुनिया

ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો | iran government stands firm despite us israel air strikes intelligence report



Iran America War: અમેરિકા અને ઈઝરાયલના સતત હવાઈ હુમલા છતાં ઈરાનની ઇસ્લામી સરકાર હજુ પણ મજબૂતીથી ઊભી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના હાલમાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આશરે બે અઠવાડિયાથી ચાલી રહેલા ભારે બોમ્બમારા છતાં ઈરાનની સત્તા પડવાનો કોઈ તાત્કાલિક ખતરો દેખાતો નથી.

ઈરાનની ધાર્મિક સત્તા હજુ પણ સંગઠિત!

ગુપ્તચર વિશ્લેષણ સતત એવો સંકેત આપી રહ્યું છે કે, ઈરાનની સરકાર હાલમાં પડી ભાંગવાની સ્થિતિમાં નથી અને તે હજુ પણ દેશની જનતા તથા વહીવટી તંત્ર પર નિયંત્રણ ધરાવે છે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેલની વધતી કિંમતોને કારણે અમેરિકામાં રાજકીય દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ 2003 પછીના અમેરિકાના ‘સૌથી મોટા સૈન્ય અભિયાન’ને જલદી સમાપ્ત કરવા પર વિચાર કરી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, જો ઈરાનના કટ્ટરપંથી નેતાઓ સત્તામાં મજબૂત રહેશે, તો યુદ્ધનો સ્વીકાર્ય રીતે અંત લાવવો સરળ નહીં હોય. ગુપ્તચર અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 28 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ છતાં દેશની ધાર્મિક સત્તા હજુ પણ સંગઠિત છે.

આ પણ વાંચો : અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર

ઈરાનમાં અનેક સ્થળો પર US-ઈઝરાયલના સ્ટ્રાઈક

યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના અનેક મહત્વના સૈન્ય અને વ્યૂહનીતિ ધરાવતા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, પરમાણુ મથકો અને ઈરાનના અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. આ હુમલામાં ખામેનેઈ ઉપરાંત ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના અનેક વરિષ્ઠ કમાન્ડરો પણ ઠાર મરાયા છે. IRGC એ ઈરાનની એક શક્તિશાળી અર્ધસૈનિક તાકાત છે. જે દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા માળખા પર મોટો પ્રભાવ ધરાવે છે.

ધાર્મિક માળખુ હજી પણ સક્રિય

આમ છતાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે IRGC અને ધાર્મિક નેતૃત્વનું માળખું હજુ પણ સક્રિય છે અને વચગાળાનું નેતૃત્વ દેશ પર પકડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. દરમિયાન ઈરાનના વરિષ્ઠ શિયા ધર્મગુરુઓની સંસ્થા ‘અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સર્વોચ્ચ નેતા જાહેર કરવામાં આવ્યા છે. નિષ્ણાતો માને છે કે, જો અમેરિકા અને ઈઝરાયલ વાસ્તવમાં ઈરાનની સરકારને પાડવા માંગતા હોય તો તેના માટે જમીની હુમલો કરવું પડી શકે છે. જોકે, ટ્રમ્પ પ્રશાસને હાલમાં ઈરાનમાં અમેરિકન સૈનિકો મોકલવાની શક્યતાનો સ્પષ્ટ ઈનકાર કર્યો નથી.



Source link

Related Articles

Back to top button