दुनिया

ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત | WISA Bill US Lawmaker Proposes Reversing Strict H 1B Visa Rules to Aid Indian Talent



WISA Bill US: અમેરિકામાં સ્થાયી થવા અને નોકરી કરવા માંગતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ દેખાયું છે. અમેરિકન સંસદમાં ‘વેલકમિંગ ઇન્ટરનેશનલ સક્સેસ એક્ટ'(WISA) નામનું એક નવું ઇમિગ્રેશન બિલ રજૂ કરવામાં આવ્યું છે. સાંસદ બોની વોટસન કોલમેન દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવિત કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2025માં લાગુ કરવામાં આવેલા એવા કડક નિયમોને રદ કરવાનો છે, જેના કારણે કંપનીઓ માટે H-1B વિઝા હેઠળ વિદેશી કર્મચારીઓની ભરતી કરવી અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ બની ગઈ હતી. જો આ બિલ પસાર થઈ જાય, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા લોકોની ચિંતાઓ દૂર કરી શકે છે, જેમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો છે.

H-1B ફી અને વેતન મર્યાદામાં રાહત

આ WISA બિલ ખાસ કરીને સપ્ટેમ્બર 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાવવામાં આવેલા ફેરફારોને ઉલટાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે સમયે લાગુ કરાયેલા નિયમો મુજબ, એમ્પ્લોયરોએ નવી H-1B પિટિશન સબમિટ કરવા માટે 1,00,000 ડૉલર(અંદાજે ₹84 લાખ) જેવી માતબર ફી ચૂકવવી પડતી હતી. આ ઉપરાંત, વેતન સંબંધિત શરતો પણ ઘણી કડક બનાવવામાં આવી હતી અને લોટરી સિસ્ટમમાં માત્ર ઊંચા પગારવાળી નોકરી ધરાવતા અરજદારોને જ પ્રાથમિકતા આપવાનું નક્કી કરાયું હતું. ટેક્નોલૉજી કંપનીઓ, યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો જેવા ક્ષેત્રોએ આ નિયમોનો વિરોધ કર્યો હતો કારણ કે તેનાથી કુશળ પ્રતિભાઓ મેળવવામાં અવરોધ ઊભો થતો હતો.

ભારતીયો પર સીધી અસર

ભારતીયો માટે આ બાબત એટલા માટે મહત્ત્વની છે કારણ કે H-1B વિઝા મેળવનારા કુલ લોકોમાં 70થી 75 ટકા જેટલો મોટો હિસ્સો ભારતીય નાગરિકોનો છે. હાલમાં અંદાજે 7.3 લાખ ભારતીય H-1B વિઝા ધારકો અને 5.5 લાખ તેમના પર નિર્ભર પરિવારો અમેરિકામાં રહે છે. નિષ્ણાતોના મતે, અમેરિકામાં અભ્યાસ કરતા 3.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ માટે H-1B વિઝા એ શિક્ષણથી કારકિર્દી સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. જો વિઝા પ્રક્રિયા સરળ, સસ્તી અને અનુમાનિત બને, તો તેની સીધી સકારાત્મક અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો પર પડશે.

આ પણ વાંચો: Fact Check: ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી? જાણો ઈરાનનો જવાબ

ભારતીયો માટે આશાનું કિરણ

જોકે, અત્યારે આ બિલ માત્ર ચર્ચાના તબક્કે છે અને હજુ તે કાયદો બન્યું નથી. તેને કાયદો બનવા માટે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં પસાર થવું પડશે અને ત્યારબાદ અમેરિકન પ્રમુખના હસ્તાક્ષરની જરૂર પડશે. ત્યાં સુધી 2025માં બનેલા કડક નિયમો અમલમાં રહેશે. તેમ છતાં, અમેરિકામાં કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે આ પ્રસ્તાવ એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.


ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત 2 - image



Source link

Related Articles

Back to top button