હોર્મુઝ બન્યું બેટલ ગ્રાઉન્ડ- વધુ ૩ તેલ જહાજો પર હુમલા, વિસ્તરતું જતું યુધ્ધ | Hormuz becomes a battleground 3 more oil ships attacked war widens

તેલ અવીવ,૧૧ માર્ચ,૨૦૨૬,બુધવાર
અમેરિકા-ઇઝરાયેલનું ઇરાન સાથેનું યુધ્ધ વિસ્તરતું જાય છે તેમ હોર્મુઝ ખાડીમાં તેલ જહાજો પર હુમલા વધ્યા છે. વિવિધ સમુદ્રી સુરક્ષા ફર્મોના જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્આરીથી અત્યાર સુધીમાં ખાડીમાં કુલ ૧૪ તેલ જહાજો પર હુમલા થયા છે. જો કોઇ ઉકેલ નહી આવે તો તેલ પુરવઠો બહાર લઇ જઇ રહેલા જહાજો પર વધુ હુમલા થવાની શકયતા છે. ક્રુડ તેલ અને ગેસના વેપારથી ધમધમતી અને દુનિયાના સૌથી વ્યસ્ત જળમાર્ગ પર જહાજોની સુરક્ષાને ગંભીર ફટકો પડયો છે. હોર્મુઝનો માર્ગ આમ પણ સાંકળો છે આથી એવા સંજોગોમાં જહાજ ખાડી પાર કરવાની રાહ જોઇ રહયા છે. વિશ્વમાં જેટલું પણ ક્રુડ ઓઇલ વેચાય છે તેનો ૨૦ ટકા હિસ્સો હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે.
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવી રહી છે કે અમેરિકા અને ઇઝરાયેલને સમર્થન કરતા જે પણ જહાજો પસાર થશે તેના પર હુમલો કરવામાં આવશે. ખાસ કરીને પૂર્વ એશિયા તરફ ક્રુડ લઇને જઇ રહેલા જહાજો પર જોખમ વધ્યું છે. હોર્મુઝ ખાડીને અવરોધવાનો ઇરાન પ્રયાસ કરશે તો તેના પર ઘાતક હુમલા કરવામાં આવશે એવી અમેરિકી પ્રમુખની ધમકીની કોઇ જ અસર થતી નથી. બુધવારે થાઇલેન્ડના મયુરી નારી નામના જહાજ પર અજ્ઞાાત પ્રોજેકટાઇલ દ્વારા હુમલો કરવામાં આવતા જહાજના એન્જીન રુમમાં આગ લાગી હતી. મયુરી નારી નામનું જહાજ તેલ ટેન્કર ભરીને ભારત તરફ આવી રહયું હતું. જહાજના ચાલક દળના ૩ સદસ્યો લાપતા છે. આ ઉપરાંત જાપાની ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજ વન મેજેસ્ટી અને સંયુકત અરબ અમીરાત (યુએઇ)ના રાસ અલ ખૈમાહ નામના જહાજને પ્રોજેકટાઇલથી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે ધીમે ધીમે હોર્મુઝ ખાડી ઇરાન યુધ્ધનું નવું બેટલ ગ્રાઉન્ડ બની રહયું છે. અમેરિકા અને ઇઝરાયેલ દિવસ રાત ઇરાન પર તાબડતોબ હુમલા કરી રહયા છે પરંતુ હોર્મુઝ સંકટનો જો કોઇ ઉપાય નહી શોધાય તો ક્રુડતેલના ડિમાંડ અને સપ્લાય ખોરવાઇ જવાનો મસમોટો ખતરો તોળાઇ રહયો છે. હોર્મુઝ ખાડી ઇરાનની નથી પરંતુ વ્યુહાત્મક રીતે તેને ફાયદો થતો હોવાથી નાક દબાવી રહયું છે. અખાતી દેશોમાં અમેરિકાના મિલિટરી બેઝ અને શકિતશાળી નેવી સેનાની હાજરી છતાં ઇરાન ધમકી અટકી નથી. ઇરાનની સામે અમેરિકા પ્રચંડ સૈન્યશકિત ધરાવે છે પરંતુ ઇરાનને અનુકૂળ સ્થાનિક પરિસ્થિતિનો વધુ લાભ મળી રહયો છે.
હોર્મુઝ જળમાર્ગ લગભગ ૧૬૧ કિમી લાંબો છે જયારે તેના સાંકળા બિંદુ પર માત્ર ૩૩ કિમી પહોળો છે. શિપિંગ લેન વિસ્તાર માત્ર ૩ માઇલ પહોળો છે. આથી માલવાહક જહાજ આ પોઇન્ટ પર આવન જાવન કરે તે દરમિયાન ૩ માઇલથી વધારે દૂર રહી શકતા નથી. હોર્મુઝ સ્ટ્રેટની ઉંડાઇ ૨૦૦ થી ૩૩૦ ફૂટ જેટલી છે જે તેલ ટેન્કરોના આવા ગમન માટે શ્રેષ્ઠ માર્ગ છે. આ જહાજ માર્ગનો મોટો ભાગ ઓમાનના ક્ષેત્રીય જળક્ષેત્ર અને કેટલાક ઇરાનના ક્ષેત્રીય જળક્ષેત્રમાં આવે છે. ઇરાન જહાજ માર્ગોના ઉત્તરમાં જળડમરુમધ્યને નિયંત્રિત કરે છે જયારે ઓમાન દક્ષિણમાં જળ મરુમધ્યને નિયંત્રિત કરે છે.

હોર્મુઝ સામુદ્રધુની આર્થિક અને સૈન્ય દ્વષ્ટીથી મહત્વના ઇરાની બંદરગાહ અબ્બાસના ઉત્તરી તટ પર છે જેની નજીક ઇરાનના કેશ્મ હોર્મુઝ, હેંગામ અને લારક દ્વીપ સમૂહો આવેલા છે. કેશમ ફારસ ખાડીનો સૌથી મોટો દ્વીપ છે જે ઇરાની તટની સમાંતર છે. ૧૨૦૦ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ દ્વીપ અનિયમિત આકૃતિ ધરાવે છે. યુએઇ પણ આ સામુદ્રધુનીથી પ્રમાણમાં નજીક છે. તેલ સમૃધ્ધ પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતી એક માત્ર દરિયાઇ ચેનલ છે.હોર્મુઝ ઇરાન અને ઓમાન વચ્ચેનો સાંકળો દરિયાઇ રસ્તો જે ફારસ અને ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે.
હોર્મુઝ સ્ટ્રેટ આમ તો સદીઓથી એક મહત્વપૂર્ણ દરિયાઇ વેપાર માર્ગ રહયો છે પરંતુ આધુનિક સમયમાં ક્રુડ ઓઇલ અને ગેસના વેપાર માટેનો ટ્રાંજિક ચેક પોઇન્ટ તરીકે જાણીતો છે. આરબ દેશોની આર્થિક સમૃધ્ધિ ક્રુડ તેલની ઇકોનોમિ પર ટકેલી છે. વિશ્વમાં સાઉદી અરબ, યુએઇ, કુવૈત અને ઇરાક જેવા ઓપેક દેશોના તેલના કુવાઓમાંથી નિકળતા ક્રુડ તેલની ૨૦ ટકા નિકાસ આ દરિયાઇ માર્ગે થાય છે. એક માર્કેટ રિસર્ચ કંપનીના ડેટા મુજબ દરરોજ ૨ કરોડ બેરલ ક્રુડ તેલ અને ઇંધણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે.



