गुजरात

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેના કામો ક્યારે પૂરા થશે? | Gujarat Highway Update ₹20383 Crore Toll Collected in 5 Years




Gujarat Highway Update : કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી રૂ.20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષમાં રૂ.47,236 કરોડની ફાળવ્યા હતા. રાજ્યસભામાં આજે(11 માર્ચ, 2026) ટોલ વસૂલાત પર પૂછાયેલા સવાલ પર કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી.

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ-જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. આ સાથે તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ સવાલ કર્યો હતો. તેમજ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ માહિતી માંગ હતી. 

જેના જવાબમાં નીતિન ગડકરીએ NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ(PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘NH-48ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ 2011માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં 07 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે.’

આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર

NH-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામને લઈને ગડકરીએ જણાવ્યું કે, ‘આ સિક્સ લેનિંગનું કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂરુ કરવાનો ટાર્ગેટ છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે, જે માર્ચ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.’



Source link

Related Articles

Back to top button