गुजरात

વર્ષો બાદ સુરતના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે : ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી બસની સુવિધા ઉભી કરાશે | 2 electric double decker AC buses will be provided for visitors to Dumas Sea Face in surat



Surat : સુરતીઓના પીકનીક ડેસ્ટીનેશન ડુમસ સી ફેઝ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ હવે સુરતીઓના ડુમસ સી ફેઝની મજા ડબલ થાય તે માટે હવે એસી ડબલ ડેકર બસ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી બસની સુવિધા ઉભી કરવા માટે સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી દીધી છે. હવે આગામી સમયમાં બે ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસ ખરીદવા માટેની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. 

સુરત શહેરમાં વર્ષો પહેલાં રેલવે સ્ટેશનથી મોરાભાગળ અને અન્ય રૂટ પર ડબલ ડેકર બસ ચાલતી હતી. પરંતુ ત્યાર બાદ ટ્રાફિક સમસ્યાના કારણે ડબલ ડેકર બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. વર્ષો પહેલા ડબલ ડેકરની મજા અનેક સુરતીઓએ માણી હતી પરંતુ હવે સુરતીઓ માટે ભૂતકાળ બની ગયેલી ડીઝલ ડબલ ડેકરના બદલે ઇલેક્ટ્રિક એ.સી. ડબલ ડેકર બસ સુરતીઓ માટે નજરાણું બનવા જઈ રહી છે.

હાલમાં ગયેલી સ્થાયી સમિતિની બેઠકમાં સુરત શહેર માટેની જાહેર પરિવહન સુવિધા માટે 2 ડબલ ડેકર એ.સી. ઈલેકટ્રીક બસ ડ્રાઈવર તેમજ 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ સહિત ખરીદ કરવા માટેની દરખાસ્તને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવર સહિત 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ સહિત ખરીદી કરવા ટેન્ડર મંગાવી સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લિમિટેડ, ચેન્નાઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તે ભાવે અને શરતે સુરત મહાનગરપાલિકા માટે 02 ડબલ ડેકર એ.સી. ઈલેકટ્રીક બસ ખરીદવા તથા અન્ય કામગીરી માટે મ્યુનિ. કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે. 

જોકે, ગોપી તળાવ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે મુલાકાતીઓ માટે ડબલ ડેકરની જાહેરાત કરવામા આવી હતી પરંતુ તે આજ સુધી શરૂ થઈ શકી નથી. હવે પાલિકાએ સુરતીઓના પિકનિક માટેના હોટ ડેસ્ટિનેશન ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ માટે બે એસી ડબલ ડેકર બસ શરૂ કરવા માટે કવાયત શરૂ કરી છે. આ પ્રોજેક્ટ માટે ડબલ ડેકર બસ શરૂ થશે કે ગોપી તળાવ પ્રોજેક્ટની જેમ ડબલ ડેકર ફાઈલમાંથી બહાર આવશે કે નહીં તે તો સમય જ બતાવશે.

હાલમાં સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપ્યા બાદ ડેબલ ડેકર માટેની કવાયત શરૂ કરી છે જો તે સફળ થાય તો ડુમસ સી ફેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે બે એસી ડબલડેકર બસ દોડતી જોવા મળશે. જેના કારણે આ જગ્યાએ મુલાકાતીઓની મજા બેવડી થઈ જશે. 



Source link

Related Articles

Back to top button