અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર | 34 New Trainsets Ordered for Ahmedabad Gandhinagar Metro and Surat Metro

![]()
Gujarat Metro Expansion: ગુજરાતમાં મેટ્રો રેલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે સરકારે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે 10 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 24 ટ્રેનસેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં વધશે ટ્રેનની ફ્રિકવન્સી
અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 68.2 કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ 32 ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે નવા 10 ટ્રેનસેટ્સ ઉમેરાવાથી ટ્રેનોની અવરજવરની ફ્રિકવન્સીમાં વધારો થશે. પરિણામે મુસાફરોએ સ્ટેશન પર ટ્રેન માટે રાહ જોવાનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતા મજબૂત બનશે.
સુરત મેટ્રોનું કામ તેજ ગતિએ
સુરતમાં હાલ 40.3 કિ.મી.લાંબા મેટ્રો નેટવર્કનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 24 ટ્રેનસેટ્સ ફાળવવામાં આવ્યા છે. સુરતની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ આધુનિક પરિવહન સુવિધા શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવામાં અને ટકાઉ મુસાફરી પૂરી પાડવામાં મદદરૂપ થશે.
મેટ્રો નેટવર્કનું વિસ્તરણ: 108 કિમીથી 190 કિ.મી.સુધીનો લક્ષ્યાંક
રાજ્યમાં હાલમાં મેટ્રો રેલનું નેટવર્ક 108 કિ.મી.સુધી ફેલાયેલું છે, જે આગામી વર્ષોમાં વધીને 190 કિ.મી.થવાનો અંદાજ છે. આ વિસ્તરણમાં 6.04 કિમીની એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પણ મેટ્રો સેવાઓ શરૂ કરવા માટેની દરખાસ્તો હાલ વિચારણા હેઠળ છે.
ટેકનોલોજી અને સુરક્ષાના ફિચર્સ
આ નવા ટ્રેનસેટ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ ટેકનોલોજીથી સજ્જ હશે. તેની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો તેમાં, રિયલ-ટાઇમ મોનિટરિંગ, ઓટોમેટેડ બ્રેકિંગ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન હશે. સીસીટીવી સર્વેલન્સ અને ફાયર ડિટેક્શન સિસ્ટમથી સજ્જ હશે. અને તેની ડિઝાઈન ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ અને ઊર્જા બચત કરતી બનાવાશે.
ગુજરાત હાલમાં બુલેટ ટ્રેન, નમો ભારત ટ્રેન અને દાહોદમાં 9000 HP લોકોમોટિવ એન્જિન ફેક્ટરી જેવા મોટા પ્રોજેક્ટ્સ દ્વારા ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મેટ્રોના આ નવા વિસ્તરણથી રાજ્યના શહેરી પરિવહન માળખાને વૈશ્વિક સ્તરની સુવિધા મળશે.



