જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘181 Abhayam’ helps more than 45000 women in Jamnagar district in last 12 years

![]()
Jamnagar 181 Abhayam : જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળ કામગીરીના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સેવાની સિદ્ધિઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 45,879 મહિલાઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર જઈને કાઉન્સિલર અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાની 9,563 મહિલાઓને સીધી મદદ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં 860 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યૂ વાન ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી 628 કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં સફળતા મળી છે. ગંભીર પ્રકારની સમસ્યા ધરાવતી 202 પીડિતાઓને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર કે આશ્રયગૃહ જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી ન્યાય અપાવવાની ઉમદા કામગીરી પણ જામનગરની અભયમ ટીમ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, મુખ્યમંત્રીના અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ હેલ્પલાઈન દ્વારા છેલ્લા 12 વર્ષમાં 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મુકાયેલી 1,09,886 મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ છે, જ્યારે 2.29 લાખથી વધુ કિસ્સાઓમાં પારિવારિક કે સામાજિક વિવાદોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. 8 માર્ચ 2015ના રોજ રાજ્યવ્યાપી બનેલી આ સેવા આજે 59 અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન અને 24×7 કાર્યરત તાલીમબદ્ધ સ્ટાફ સાથે મહિલાઓ માટે અભેદ્ય સુરક્ષા માળખું બની ગઈ છે.
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવવા માટે ‘181 મોબાઈલ એપ’ પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ એપમાં રહેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા અદભૂત ફીચર્સ મુશ્કેલીના સમયે પીડિતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે, જેથી ફોન કર્યા વગર પણ ત્વરિત મદદ મળી શકે છે. માત્ર હિંસા જ નહીં, પરંતુ સાયબર ગુના, લગ્ન જીવનના વિખવાદો અને સરકારી યોજનાઓની માહિતી આપતી આ હેલ્પલાઈન મહિલાઓની ઓળખ ગુપ્ત રાખીને તેમને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે ખરા અર્થમાં ‘અભય’ બનીને આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહી છે.


