ઉનાળાના પ્રારંભે જ લીંબુનો ભાવ 250 રુપિયા પ્રતિ કિલોને આંબ્યો, 10 દિવસમાં 4 ગણી કિંમત વધી | ahmedabad lemon prices hit 250 per kg march summer heat supply update

Lemon price hike Ahmedabad: માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાંના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
લીંબુના ભાવ આસમાને: માર્ચમાં જ એક કિલોનો ભાવ 250 રૂપિયાને પાર
લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે, સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવવધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે, જેમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો 200થી 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની આવક ગત વર્ષ કરતા 20% વધી હોવા છતાં, ભાવમાં થયેલો આ તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે.

નફાખોરોનું વધતું વર્ચસ્વ: બજારમાં મનસ્વી રીતે ભાવ વધારવાનો ખેલ
સામાન્ય રીતે બજારમાં કોઈપણ વસ્તુના ભાવ માંગ અને પુરવઠાના આધારે નક્કી થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નફાખોર તત્વોનું નિયંત્રણ વધ્યું હોય તેમ ભાવમાં મનસ્વી રીતે વધારો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે લીંબુના ભાવ એપ્રિલ અને મે મહિનામાં વધતા હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભથી જ ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ જમાલપુર APMCમાં લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 90થી 120 રૂપિયા છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ સીધો બમણો થઈને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
10 જ દિવસમાં ભાવ 80થી વધીને 250 થયો
ઉનાળાના પ્રારંભે જ જે લીંબુ અગાઉ 60થી 80 રૂપિયામાં મળતા હતા, તેના ભાવ માત્ર દસ દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31 હજાર ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે બે નર્સરીને પધરાવી દીધા
પ્રખ્યાત લીંબુની આવક ઘટતા ભાવમાં ઉછાળો
અમદાવાદના બજારમાં લીંબુનો 50% જથ્થો ભાવનગર અને પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે, જ્યારે બાકીનો 50% જથ્થો મદ્રાસ, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં મે-જૂનથી જાન્યુઆરી સુધી લીંબુની સીઝન હોય છે, પરંતુ આ વખતે મહેસાણાના પ્રખ્યાત લીંબુની આવક ઓછી થઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ બજારમાં 50% તાજા અને 50% કોલ્ડ સ્ટોરેજના લીંબુનું વેચાણ થઈ રહ્યું છે. અસહ્ય ગરમી અને લીંબુના આસમાને પહોંચેલા ભાવને કારણે હવે લોકો લીંબુ પાણીના બદલે ફ્લેવર્ડ એનર્જી ડ્રિંક્સ તરફ વળી રહ્યા છે.




