બે સપ્તાહ માટે સ્કૂલ બંધ : પગારમાં 25% કાપ : મધ્ય પૂર્વ યુદ્ધે પાકિસ્તાનનું તેલ કાઢી નાખ્યું | Schools closed for two weeks: 25% salary cut: Middle East war drones Pakistan of oil

![]()
– શહબાઝ શરીફે સોમવારે સાંજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તેલ, ગેસ બચાવવા સખ્ત પગલા શરૂ કર્યા : તેલ, ગેસ માટે પાક. ખાડી દેશો ઉપર નિર્ભર રહ્યું છે
નવી દિલ્હી : યુદ્ધ મધ્ય પૂર્વમાં ચાલે છે, આફત પાકિસ્તાન પર ઉતરી છે. અમેરિકા- ઇઝરાયલ ઇરાન ઉપર અગ્નિ વર્ષા શરૂ કરતાં વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે રાત્રે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તેલ અને ગેસ બચાવવા સખત પગલા લેવા શરૂ કર્યા છે.
ગત શુક્રવારે તેઓએ પેટ્રોલના ભાવમાં ૨૦ ટકા વધારો કર્યો છે. દેશભરમાં તે મધરાતથી અમલી બનવાનો હતો. તે પહેલા પેટ્રોલ પંપો ઉપર લાંબીલાઇનો લાગી હતી., હવે સરકારે બે સપ્તાહ સુધી સ્કૂલો બંધ રાખવા નિર્ણય કર્યો છે.
શહબાઝ શરીફે આ અંગે જણાવ્યું કે, મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જાય છે. હવે ઉર્જા સંકટ એક નવા સંકટ તરીકે સામે આવ્યું છે.
મંત્રી મંડળની સોમવારે રાત્રે બોલાવેલી આપાતકાલીન બેઠકમાં આ પ્રમાણે નિર્ણય લેવાયા હતા.
(૧) બેંકો સિવાય તમામ સરકારી કચેરીઓમાં ચાર દિવસ જ કામ થશે. અર્ધો અર્ધ કર્મચારીઓએ ઘેરથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરવાનું રહેશે.
(૨) સ્કૂલોમાં બે સપ્તાહ માટે રજા જાહેર કરાઇ છે. તે પછી પણ શિક્ષણ ઓન લાઇન રહેશે.
(૩) એમ્બ્યુલન્સ સિવાય તમામ સરકારી મોટરો માટે ઇંધણ ભથ્થુ આગામી બે મહિના માટે ૫૦% ઘટાડી દેવાયું છે.
(૪) બે મહિના સુધી સરકારી નોકરોને પગારમાં ૨૫ ટકા કાપ. તેઓ દેશમાં કે વિદેશ માટે તે પ્રવાસો કરી શકશે પરંતુ તે ઉપર પણ કાપ તો મુકાયો જ છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે બને ત્યાં સુધી મીટીંગો ઓન લાઇન જ કરવી.
(૫) સેમિનાર કે સંમેલનો હોટલોમાં નહીં પરંતુ સરકારી પરિસરમાં જ યોજવા.
(૬) સરકારી ડીનર કે ઇફતાર પાર્ટીઓ પ્રતિબંધિત.



