VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો | Crime Branch Arrested Accused with 768 Grams Ambergris in Godhra Panchmahal

![]()
Godhra Panchmahal News: પંચમહાલમાં ગોધરા એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ વ્હેલ માછલીની ઊલટી તરીકે ઓળખાતી એમ્બરગ્રીસ સાથે એક શખસને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.76.80 લાખની કિંમતની 768 ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
700 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો
ગોધરા તાલુકાના બામરોલી ચોકડી નજીકથી એક વ્યક્તિ ગેરકાયદે રીતે એમ્બરગ્રીસ લઈને નીકળવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ પછી પોલીસે બાતમી આધારની જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબ એક્ટિવા લઈને પસાર થતાં વ્યક્તિને અટકાવ્યો હતો અને એક્ટિવાની ડેકીની તપાસ કરતાં પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જે વ્હેલ માછલીની ઊલટી એટલે કે એમ્બરગ્રીસ હોવાનું જણાયું હતું.
પોલીસ પૂછપરછમાં વાહનચાલકે પોતાનું નામ સુરેશ રજનસિંહ બારીયા (રહે. ધોળી, તા. ગોધરા, જી. પંચમહાલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે 768 ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો વ્હીકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, આરોપી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હોય છે વ્હેલની ઊલટી?
આ પદાર્થને વ્હેલની ઊલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં ‘ગ્રે અંબર’ થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઊલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.
આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.


