મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime Minister modi instructions ministers middle east crisis should not affect the people of india

![]()
Middle East War And Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી, ખાસ કરીને આ કેબિનેટ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ બાદ ભારત પર સંભવિત અસરને કેવી રીતે ટાળી શકાય તેના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
તમામ મંત્રાલયોને તૈયારી કરવા આદેશ
સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને મંત્રાલયોને સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી, જેનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર દેશના નાગરિકો પર ઓછામાં ઓછી પડે, તેમણે તમામ મહત્વના મંત્રાલયોને કોઈપણ સંભવિત પડકાર માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
PM મોદીની અધ્યક્ષતામાં બેઠક
અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. દેશના સામાન્ય નાગરિકોને રસોઈ ગેસ (LPG)ના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે અંગે પર ચર્ચા થઈ હતી.
LPGની અછતની અફવાથી ડર!
મહત્વનું છે કે મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાતા ઈંધણ અને ગેસને લઈને દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે. જે કારણે દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, બીજી તરફ સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા 21ના બદલે 25 અને બે સિલિન્ડરવાળા 25ના બદલે 30 દિવસે બૂકિંગ કરાવી શકશે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબી-લાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂકિંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.



