યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, 9 દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર, યુદ્ધ લાંબુ ચાલશે તો… | Global Fuel Crisis: Oil Prices Surge 25% Amid Iran Israel War and Hormuz Strait Closure

![]()
Global Fuel Crisis : અમેરિકા-ઈઝરાયલ ઈરાન સાથે છેલ્લા 11 દિવસથી યુદ્ધ કરી રહ્યા છે, તો ઈરાને વિશ્વભર માટે સૌથી મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ બંધ કરવાના કારણે અનેક તેલ ટેન્કરો સહિતનો સામાન અટકી પડ્યો છે, યુદ્ધના કારણે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સહિતના દેશોએ પણ આયાત પર કાપ મૂકી દીધો છે, જેના કારણે અનેક દેશોમાં ફ્યુલ સંકટને લઈ હાહાકાર મચી ગયો છે. મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો ફ્યુલ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલૅન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે. મધ્ય-પૂર્વમાં દિવસેને દિવસે ઘર્ષણ વધવાના કારણે ઊર્જા સપ્લાયની આયાત-નિકાસ કરવામાં ભારે અડચણો ઊભી થઈ રહી છે.
ક્રૂડ તેલની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો
ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો હોવાથી ક્રૂડ તેલની કિંમતો 25 ટકા સુધી વધી ગઈ છે. યુદ્ધના કારણે અનેક દેશો સમક્ષ એવું સંકટ ઊભું થયું છે કે, ક્યાંક પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે, તો ક્યાંક હોટલ-રેસ્ટોરન્ટો બંધ કરવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં દૈનિક અપાતા પેટ્રોલમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. ગભરાટ તેમજ પુરવઠાની અનિશ્ચિતતાના કારણે નાગરિકો ટેન્શનમાં મૂકાઈ ગયા છે અને પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પર લાઇન લગાવી દીધી છે, તો અનેક દેશોની સરકારોએ પણ ચિંતત થઈને વિવિધ રસ્તાઓ અપનાવવાના શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ…’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ
ઈંધણના કારણે વિશ્વભરમાં સંકટ, જાણો 9 દેશોની સ્થિતિ
પાકિસ્તાન : આર્થિક સંકટ અને ભારે મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન ફરી મોટી આફતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હાલ મોંઘવારીમાં અદમ્ય વધારો થયો છે. યુદ્ધ પહેલા ત્યાં પેટ્રોલની કિંમત 266 રૂપિયાની આસપાસ હતી, ત્યારે હવે યુદ્ધ બાદ કિંમતોમાં 55 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે હાલ ત્યાં પેટ્રોલની કિંમત 321 રૂપિયા પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન સરકારે સંકટને ટાળવા માટે ઈંધણ બચાવવા માટે શાળાઓમાં બે અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે અને ઉચ્ચ શિક્ષણને ઓનલાઇન મોડ પર ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં 50% સ્ટાફને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે અને ઑફિસો અઠવાડિયામાં માત્ર 4 દિવસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
બાંગ્લાદેશ : ઈંધણના ભાવમાં વધારાની વાતો સામે આવ્યા બાદ ઈંધણ બંધ થવાની આશંકાના કારણે બાંગ્લાદેશના લોકો ગભરાઈ ગયા છે. અહીં લોકોએ જરૂરીયાત કરતાં વધુ પેટ્રોલની સંગ્રહખોરી શરૂ કરી દીધી છે, જેના કારણે દેશમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. સરકારે સાવધાનીના ભાગરૂપે બાઇકચાલકોને દિવસમાં માત્ર બે લીટર પેટ્રોલ અને કાર ચાલકને દૈનિક 10 લીટર પેટ્રોલ આપવાનો આદેશ આપ્યો છે. અહીં પેટ્રોલ પંપો પર રસીદ પણ ચેક કરવામાં આવી રહી છે અને પેટ્રોલનો સંગ્રહ અટકાવવા માટે કડક નિયમો લાગુ કરી દીધા છે.
શ્રીલંકા : દેશમાં ઈંધણની કિંમતોમાં 8 ટકાનો વધારો થયો હોવાની વિગતો સામે આવી છે. શ્રીલંકન સરકાર પાસે એપ્રિલ સુધીનો સ્ટોક હોવાનું આશ્વસન આપ્યું છે. દેશમાં ચિંતા છે કે, ઈંધણના ભાવ વધરાવના કારણે માલ-સામાનના પરિવહનનો ખર્ચ વધશે, જેના કારણે મોંઘવારી આસમાને પહોંચી જશે. અહીં પણ લોકોએ ગભરાટમાં પેટ્રોલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, જેના કારણે શ્રીલંકાની સરકારી તેલ કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશને (CPC) ખાતરી આપી છે કે, સરકાર પાસે એપ્રિલ સુધીનો સ્ટોક છે.
જર્મની : ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અસર જર્મની સુધી પણ પહોંચી છે. દેશમાં ક્રૂડ ઓઇલ અને ઈંધણની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ચાન્સેલર ફ્રેડરિક મેર્જ વધતી કિંમતો મામલે બેઠકો અને સમીક્ષા કરી રહ્યા છે.
ફ્રાન્સ : યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારો થતાં અને ત્યારબાદ અનેક અફવાઓ સામે આવ્યા બાદ ફ્રાન્સના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એકતરફ દેશના લોકોએ ચિંતામાં આવીને પેટ્રોલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, તો બીજીતરફ તેઓને મોંઘવારી વધવાનો પણ ડર સતાવી રહ્યો છે.
પોલૅન્ડ : ફ્રાન્સ જેવી સ્થિતિ પોલૅન્ડમાં પણ સર્જાઈ છે. અહીંના પેટ્રોલ પંપો પર પણ લાંબી કતારો થઈ છે.
વિયેતનામ : યુદ્ધની ગંભીર અસરોમાં વિયેતનામનું પણ નામ સામેલ છે. દેશમાં પુરવઠાને લઈ સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને ઈંધણની બચત કરવાની અપીલ કરી છે. સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ બાયોફ્યુઅલ, જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.
ઈન્ડોનેશિયા : ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાના કારણે ઈન્ડોનેશિયા સરકાર પણ પડકારોનો સામનો કરી રહી છે. સરકાર B50 બાયોડીઝલ યોજના ફરી લાગુ કરવાની વિચારણા કરી રહી છે. સરકારનું માનવું છે કે, B50ના ઉપયોગથી 50% ડીઝલની આયાત ઓછી કરવી પડશે, જેનાથી અબજો ડૉલરની બચત થશે. B50 એ પરંપરાગત ડીઝલ અને બાયોડીઝલનું એક મિશ્રણ છે. જેમાં આંકડો ’50’ મિશ્રણની ટકાવારી દર્શાવે છે. ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો પામ ઓઇલ ઉત્પાદક દેશ છે. તેથી તે પોતાના દેશમાં ઉગતા પામ ઓઇલનો ઉપયોગ ઈંધણ તરીકે કરીને તેલની આયાત ઘટાડવા માંગે છે.
અમેરિકા : યુદ્ધની સીધી અસર અમેરિકાના સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં ગેસ પંપો પર ઈંધણની કિંમતોમાં પ્રતિ ગેલન 11 સેન્ટ સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા સાંકળ ખોરવાઈ જવાની આશંકાએ અમેરિકન વહીવટીતંત્ર અને જનતામાં ચિંતા જગાવી છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર જો લાંબા સમય સુધી અવરોધ રહેશે, તો આગામી દિવસોમાં આયાત ખર્ચ વધવાની અને ઊર્જા સંકટ વધુ ઘેરું બનવાની શક્યતા છે, જેની સીધી અસર અમેરિકાના પરિવહન ક્ષેત્ર અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
હોર્મુઝે વિશ્વભરને સંકટમાં મૂક્યા
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી અનેક દેશો મોટા સંકટમાં મૂકાઈ ગયા છે. વિશ્વમાં આયાત-નિકાસ થતાં લગભગ 31 ટકા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) હોર્મુઝ જળમાર્ગમાંથી જ પસાર થાય છે. જોકે યુદ્ધના કારણે આ જળમાર્ગ બંધ થઈ જતા વૈશ્વિક ઊર્જા વેપાર સંપૂર્ણ અટકી પડ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 120થી 150 ડૉલર પર પહોંચી શકે છે. સંકટ એવું ઊભું થયું છે કે, દુનિયાભરના શેર માર્કેટ ક્રેશ થયા છે અને કિંમતો સતત વધી રહી છે.



