दुनिया

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ : વિનાશ જ વિનાશ : ભડકે બળતુ ક્રૂડ | Iran Israel War: Destruction is destruction: Burning crude oil



– 2022 પછી પહેલી જ વખત ક્રૂડનો ભાવ ઇન્ટ્રા-ડે 119ને પાર જઇ 102 ડોલર બંધ આવ્યો

– હોર્મુઝની ખાડી બંધ થતાં નિકાસ અટકતા ઇરાક, કુવૈત અને યુએઈએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી

– રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થયું નથી ત્યારે વધુ એક યુદ્ધના કારણે વિશ્વના અનેક અર્થતંત્રો મુશ્કેલીમાં

નવી દિલ્હી : ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધે ક્રૂડ ઓઇલમાં બરોબરનો ભડકો કર્યો છે. ૨૦૨૨ પછી પહેલી વખત ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની સપાટીને વટાવીને ૧૨૦ને સ્પર્શી ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં લાગેલો ભડકો અનેક દેશોને તેની આગમાં લપેટી લેશે તેમ માનવામાં આવે છે. ભારત પણ લાંબા સમય સુધી ક્રૂડના ભડકાથી અલિપ્ત રહી શકે તેમ નથી.  તેનું કારણ એ છે કે ઇરાનના મક્કમ પ્રતિકારના કારણે યુદ્ધ મહિનાના બદલે મહિનાઓ સુધી ખેંચાય તેવી સંભાવના વધુ પ્રબળ બની છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૧૯.૫૦ ડોલરે જઈ આવ્યા પછી હાલમાં તે ૯૬.૦૨ ડોલર છે. જ્યારે વેસ્ટ ઇન્ટરમીડિયેટ ટેક્સાસ (ડબલ્યુટીઆઈ) ક્રૂડનો ભાવ ૧૧૯.૪૭ ડોલરને સ્પર્શ્યા પછી ૧૦૨ ડોલરની આસપાસ છે. આમ ક્રૂડના ભાવમાં થયેલો વધારો ડબલ્યુટીઆઈ ક્રૂડમાં ૩૬ ટકા તો બ્રેન્ટ ક્રૂડમાં ૨૬ ટકા જેટલો છે. 

યુદ્ધમાં હવે નાગરિકોને પણ લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. બહેરિને ઇરાન પર આક્ષેપ કર્યો છે કે ઇરાને તેના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ પ્લાન્ટમાંથી લાખો લોકોને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે.

બીજી બાજુએ તેહરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલેે તેના ઓઇલ ડેપો પર કરેલા હુમલામાં ચારના મોત થયા છે. યુદ્ધ હાલમાં અટકે તેવી જરા પણ સંભાવના નથી અને તે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. તેના લીધે પર્સિયન ગલ્ફમાં  ઓઇલ-ગેસની હેરફેર લગભગ બંધ થઈ ગઈ છે. 

વિશ્વના કુલ ઓઇલ પુરવઠાનો ૨૦ ટકા એટલે કે ૧.૫ કરોડ બેરલ પુરવઠો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. યુદ્ધના કારણે ઇરાના મિસાઇલો અને ડ્રોનના હુમલાના ડરે કોઈપણ જહાજ અખાતમાંથી પસાર થવાની હિંમત કરી શકતું નથી. આના કારણે ખાડીમાંથી પસાર થતો ૯૦ ટકા પુરવઠો થંભી ગયો છે. 

ક્રૂડ ઓઇલની નિકાસ કરી ન શકવાના કારણે ઇરાક, કુવૈત અને યુએઈએ તેના ઓઇલ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. તેના કારણે ઓઈલ અને ગેસ બંનેનો ખર્ચ ઉચકાતા તેના પર આધારિત એશિયાઈ અર્થતંત્રોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. તેનું કારણ એ છે કે એશિયાના મોટાભાગના દેશો ઓઇલ માટે મધ્યપૂર્વની આયાત પર આધારિત છે. ભારત તેની જરૂરિયાતના ૮૫ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ સંજોગોમાં તે આ ફટકો કેટલો સહન કરી શકે તે જોવાનું છે. જ્યારે પાક.માં તો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૩૩૬ રૂપિયા થઈ ગયો હતો. બાંગ્લાદેશમાં પણ ક્રૂડના ઊંચા ભાવના લીધે સ્થિતિ વણસી ગઈ છે. 

અમેરિકામાં પણ રવિવારે ગેસોલિનનો ભાવ વધીને ૩.૪૫ ડોલર થઈ ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૪.૬૦ ડોલર થઈ ગયો હતો.  અમેરિકાના ઉર્જાસચિવ ક્રિસ રાઇટે જણાવ્યું હતું કે ગેસોલિનના ભાવ લાંબા સમય એટલે કે મહિનાઓના મહિનાઓ સુધી પ્રતિ ગેલન ૩ ડોલરથી ઉપર નહીં રહે. જ્યારે વૈશ્વિક નિષ્ણાતો અને રોકાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર રહ્યા તો વિશ્વને મોટો ફટકો પડી શકે છે. 

ક્રૂડ ઓઇલમાં ઉછાળા છતાં જી-7 અને ભારત અનામત જથ્થો જારી નહીં કરે

નવી દિલ્હી : ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો વચ્ચે જી-૭ દેશોના નાણાપ્રધાનોની બેઠક યોજાઈ હતી. તેમા ફ્રેન્ચ પ્રધાન રોલેન્ડ લેસ્ક્યોરે જણાવ્યું હતું કે તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં જી-૭ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ જારી કરવા તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે જી-૭ બ્લોક બજારની જરૂરિયાતો મુજબ પગલાં લેશે, પરંતુ હાલના સ્તરે સામૂહિક ધોરણે ક્રૂડ ઓઇલનો પુરવઠો જારી કરવાની કોઈ સંભાવના લાગતી નથી.  આ બેઠકમાં ઇમરજન્સી સ્ટોરેજમાંથી ક્રૂડ ઓઇલ કાઢવાનો નિર્ણય લઈ શકાય  તેવી સંભાવના લાગતી હતી.  ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક રિપોર્ટને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના માધ્યમથી વ્યૂહાત્મક ભંડારનો સંયુક્ત રીતે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત ભારતે પણ ઓઇલનો અનામત જથ્થો જારી કરવાના સંદર્ભમાં ઇન્ટરનેશનલ ઓઇલ એજન્સી સાથે નહી જોડાય તેમ જણાવ્યું છે. ભારત વિશ્વનું ત્રીજા નંબરનું ક્રૂડ આયાતકાર છે અને તેની પાસે ૫૩.૩ લાખ ટનનો અનામત જથ્થો પડેલો છે. 

અહેવાલમાં જણાવાયું છે કે અત્યાર સુધી અમેરિકા સહિત ત્રણ સભ્યોએ જી-૭ના વિચારનું સમર્થન કર્યુ છે. અન્ય સભ્ય પણ પગલાં ઉઠાવતા પહેલા બજારની પરિસ્થિતિઓની સમીક્ષા કરી રહ્યા છે. અમેરિકન નીતિગત ઘડવૈયાઓનું કહેવું છે કે ઇમરજન્સી ક્રૂડ રિઝર્વમાંથી લગભગ ૩૦થી ૪૦ કરોડ બેરલ ઓઇલ કાઢવાનો નિર્ણય લેવાઈ શકે છે. આઇઇએના સભ્ય દેશો પાસે સ્ટ્રેટેજિક રિઝર્વના સ્વરૂપમાં લગભગ ૧.૨ અબજ બેરલ ઓઇલ હોવાનું કહેવાય છે.



Source link

Related Articles

Back to top button