હથિયારોની ખરીદીમાં યુક્રેન પ્રથમ ક્રમે : ભારતે આયાત ઘટાડી છતાં બીજા નંબરે | Ukraine ranks first in arms purchases: India remains second despite reducing imports

![]()
– ચીન અને ભારતે હથિયારોનું ઉત્પાદન દેશમાં વધાર્યું : સિપરીનો અહેવાલ
– પાકિસ્તાનમાં ખાવાના ફાંફા છે છતાં હથિયારોની આયાતમાં દુનિયામાં ટોપ-પમાં : 80 ટકા હથિયારો ચીન પાસેથી ખરીદ્યા
સ્ટોકહોમ : સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ-સિપરીના લેટેસ્ટ અહેવાલમાં દાવો થયો હતો કે યુક્રેન હથિયારોની ખરીદીમાં દુનિયામાં પહેલા નંબરે આવી ગયું છે. દુનિયાના હથિયારોના વેપારમાં યુક્રેનનો હિસ્સો ૯.૭ ટકા થઈ ગયો હતો. ભારતની નિકાસનો હિસ્સો ૮.૨ ટકા હતો અને એ સાથે ભારત બીજા ક્રમે છે. ભારતની આયાતમાં ૪૦ ટકા હિસ્સો રશિયાનો છે. રફાલની ડીલના કારણે ૨૯ ટકા હિસ્સો ફ્રાન્સનો છે. ભારત જેની પાસેથી હથિયારો ખરીદે છે એમાં ઈઝરાયલ ત્રીજા નંબરે છે.
યુક્રેન-રશિયાનું યુદ્ધ થયું તે પહેલાં સુધી હથિયારોની આયાત કરવાની બાબતમાં ભારત પહેલા નંબરે હતું. પરંતુ યુદ્ધ પછી યુક્રેન પ્રથમ નંબરે આવી ગયું છે અને ભારત બીજા ક્રમે ખસેડાયું છે. સિપરીના અહેવાલનં. માનીએ તો દુનિયામાં જેટલી હથિયારોની ડીલ થાય છે એમાંથી ૯.૭ ટકા યુક્રેનનો હિસ્સો છે. ભારતની આયાતનો હિસ્સો ૯ ટકા નજીક હતો, પરંતુ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જ હથિયારોના નિર્માણને પ્રોત્સાહન મળ્યું હોવાથી એકાદ ટકાનો ઘટાડો થયો છે. ૮.૨ ટકા સાથે ભારત આયાતકારોમાં બીજા નંબરે છે.
સાઉદી અરબ અને કતાર બાદ હથિયારોની ખરીદીમાં પાકિસ્તાન પાંચમા ક્રમે છે. પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે. ખાવાના ફાંફાં પડી જાય છે. પેટ્રોલિયમની અછત સર્જાય છે. અનાજ-કરિયાણા-શાકભાજી-ફળોના ભાવ આસમાને પહોંચે છે, છતાં પાકિસ્તાને હજુ સુધી હથિયારોની ખરીદી ઘટાડી નથી. જોકે, એમાં નોંધપાત્ર ફરક એ પડયો છે કે પાકિસ્તાન તેના હથિયારોની ખરીદીમાંથી ૮૦ ટકા ખરીદી ચીન પાસેથી કરે છે. કારણ કે ચીન પાકિસ્તાનને લોન પર હથિયારો આપે છે.
સિપરીએ નોંધ્યું હતું કે ચીને છેલ્લાં પાંચ વર્ષમાં હથિયારોની આયાત પર અંકુશ લગાવ્યો છે અને તેના બદલે પ્રાદેશિક કંપનીઓ પાસે હથિયારો બનાવવાનું શરૂ કર્યું છે. ભારતે પણ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ વિદેશી કંપનીઓ સાથે મળીને સ્થાનિક કંપનીઓને શસ્ત્ર સામગ્રીનું પ્રોડક્શન કરવા ઉત્તેજન આપ્યું છે. સિપરીએ તેને બહુ જ મહત્ત્વનો બદલાવ કહ્યો હતો. તે ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધ બાદ યુરોપના દેશોમાં ડરનો માહોલ છે. ૨૦૨૧થી ૨૦૨૫ના સમયગાળમાં યુરોપના કેટલાય દેશોએ હથિયારોની ખરીદીમાં ૨૧૦ ટકાનો વધારો કર્યો છે.



