ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t 20 final match in Ahmedabad

મદાવાદ, સોમવાર
ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચમાં ટિકિટોની બેફામ કાળા બજારી થવાની સાથે કેટલાંક ગઠિયાઓએ મુળ કિંમત કરતા થોડી ઓછી કિંમતે ટિકિટ આપવાનું કહીને નકલી ટિકિટ પધરાવીને છેતરપિંડી આચરી હતી. એટલુ જ નહી ભીડમાં મોબાઇલ ચોરી થવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં ઓનલાઇન ટિકિટનું વેચાણ ગણતરીની મિનિટોમાં પણ પૂર્ણ થઇ જતા સ્ટેડિયમ અને તેની આસપાસમાં મોટાપ્રમાણમાં ટિકિટોની ં ચાર થી પાંચ ગણી કિંમતે કાળાબજારી કરવામાં આવી હતી. એટલુ જ નહી કેટલાંક લોકોને નકલી ટિકિટ પધરાવી દેવામાં આવી હતી.
વડોદરા પાસે રહેતા ૧૦ જેટલા યુવકો મેચ જોવા માટે આવ્યા હતા અને સ્ટેડિયમની બહાર બ્લેકમાં ટિકિટ ખરીદીની ગણતરી હતી. સ્ટેડિયમથી અડધા કિલોમીટર દુર તેમને એક યુવક મળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેના ૧૦ મિત્રો મેચ જોવા આવ્યા નથી. જેથી ૨૦ પૈકી ૧૦ ટિકિટ છે. તેમણે બે હજારની ટિકિટ પાંચ હજારમાં ખરીદી છે. જેથી તે પાંચ હજારમાં આપવા તૈયાર છે. બે હજારની ટિકિટનો ભાવ ૧૨ હજાર રૂપિયા હોવાથી પાંચ હજારની ટિકિટ સસ્તી જણાતા યુવકો ટિકિટ ખરીદવા તૈયાર થયા હતા. પરંતુ, ટિકિટ લાવનાર યુવકે ઓનલાઇન નાણાં લેવાની ના પાડતા રોકડેથી નાણાં ચુકવાયા હતા. જો કે તમામ ટિકિટોના સીટ નંબર અલગ અલગ હતા. પંરતુ, જ્યારે તમામ મિત્રો સ્ટેડિયમ પર પહોચ્યા ત્યારે ટિકિટ સ્કેન ન થતા ડુપ્લીકેટ ટિકિટ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે છેતરાયેલા યુવકોએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ ભીડનો ગેરલાભ લઇેને મોબાઇલ ફોનની તફડંચી થવાના બનાવોમાં પણ મોટાપ્રમાણમાં બન્યા હતા. પરંતુ, મોબાઇલ ફોન ચોરી થવાની ફરિયાદ નોંધાવવા માટે મોબાઇલ બિલ જરૂરી હોય છે. જેથી મોટાભાગના લોકો પાસે બીલ ન હોવાથી તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જ્યારે પાંચ થી દશ હજારના મોબાઇલની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે વિચારીને અનેક લોકો ફરિયાદ નોંધાવવા ગયા નહોતા. જેટલા મોબાઇલ ચોરી થયા તેના પ્રમાણમાં ઓછી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
