दुनिया

Explainer: ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ નહીં, ‘પ્રેસિડેન્ટ ઓફ વૉર’, જાણો શાંતિના ગણા ગાનારા ટ્રમ્પે 2 વર્ષમાં કેટલા દેશ પર હુમલા કરાવ્યા | President of Peace or War Trump Attacks 8 Countries in 2 Years Despite ‘No New Wars’ Vow



US President Donald Trump War vs. Peace Strategy : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન કેમ્પેનમાં ‘કોઈ નવું યુદ્ધ નહીં’ (No New Wars) નું વચન આપ્યું હતું. તેઓ પોતાની જાતને ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ તરીકે રજૂ કરતા અને દાવો કરતા કે તેમની સરકાર અમેરિકાને વિદેશી યુદ્ધો અને ઝઘડાથી દૂર રાખશે. પરંતુ તેમના કાર્યકાળના માત્ર 2 વર્ષમાં જ આ દાવા પર પ્રશ્નચિહ્નો સર્જાયા છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને તેના આગામી અંકમાં ‘Trump’s War’ નામે કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં ટ્રમ્પના ‘No New Wars’ વચન અને વાસ્તવિક લશ્કરી કાર્યવાહી વચ્ચેનો તફાવત દર્શાવાયો છે. 

ટાઇમ મેગેઝિને કેવું કવર બનાવ્યું છે? 

ટાઇમ મેગેઝિનના તાજા અંકના કવરમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) લખેલી લાલ રંગની 8 કેપ દર્શાવાઈ છે, જેના પર 8 અલગ-અલગ દેશના નામ વ્યંગાત્મક રીતે લખેલા છે, જાણે ટ્રમ્પનું આ સૂત્ર આ બધા દેશો સુધી પહોંચી ગયું હોય. આ એ છે દેશો છે, જેની સામે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી છે. આ અહેવાલ મુજબ, 2025માં જ ટ્રમ્પે એટલા હવાઈ હુમલાનો આદેશ આપ્યો જેટલા અગાઉના કેટલાક પ્રમુખોએ તેમના સમગ્ર કાર્યકાળમાં પણ આપ્યા નહોતા. ચાલો, આ આઠ દેશ પર થયેલા હુમલા અને તેનું નુકસાન વિગતવાર સમજીએ.

1. ઈરાન: ‘ઓપરેશન મિડનાઇટ હેમર’ અને પરમાણુ સંકટ

ટ્રમ્પના સૌથી મોટા લશ્કરી ઓપરેશનોમાંનું એક ઈરાન સામે છે, જે હજુ ચાલુ છે. જૂન 2025માં તેમણે ‘ઓપરેશન મિડનાઇટ હેમર’ નો આદેશ આપ્યો. આ ઓપરેશન હેઠળ અમેરિકાએ ઈરાનના ત્રણ સૌથી મહત્ત્વના પરમાણુ સ્થળ- ફોર્દો (Fordo), નટાન્ઝ (Natanz) અને ઇસ્ફહાન (Isfahan) ને નિશાન બનાવ્યા. એ હુમલામાં બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ અને જીબીયુ-57 બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરાયો, જે જમીનમાં ઊંડે સુધી ઘૂસીને લક્ષ્યાંકોને તબાહ કરી શકે છે.

નુકસાન: પેન્ટાગોનના અંદાજ મુજબ, આ હુમલાથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ લગભગ 2 વર્ષ પાછળ ધકેલાઈ ગયો. ઈરાનના વિદેશ મંત્રીએ સ્વીકાર્યું કે કેટલાક સ્થળોને વ્યાપક નુકસાન થયું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલ સાથે મળીને અમેરિકાએ ફરી હુમલા કર્યા, જેમાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને પણ માર્યા ગયા. ઈરાને જવાબી કાર્યવાહીમાં મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકી એરબેઝ પર હુમલા કર્યા. 

2. વેનેઝુએલા: હુમલો ડ્રગ્સ વિરુદ્ધ કે સત્તા પરિવર્તન માટે?

અમેરિકાએ ડિસેમ્બર 2025માં વેનેઝુએલાની ધરતી પર પ્રથમ વખત ડ્રોન હુમલો કર્યો. આ હુમલો વેનેઝુએલાના દરિયાકાંઠે આવેલા ડોક વિસ્તાર પર કરાયો, જ્યાંથી ડ્રગ્સની હેરાફેરીનો આરોપ હતો. અમેરિકાના સૈન્ય દળો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડીને અમેરિકા લઈ ગયા. હવે એમના વિરુદ્ધ કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

નુકસાન: સપ્ટેમ્બરથી શરૂ થયેલા દરિયાઈ હુમલામાં કેરેબિયન સમુદ્ર અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં 30 થી વધુ બોટ પર હુમલા કરાયા, જેમાં ઓછામાં ઓછા 106 લોકો માર્યા ગયા. હ્યુમન રાઈટ્સ વૉચે તેને ‘અતિ-ન્યાયિક હત્યાઓ’ ગણાવી હતી.

3. નાઇજીરિયા: ક્રિસમસ ડે પર તોફાન

25 ડિસેમ્બર, 2025ના રોજ ક્રિસમસના દિવસે ટ્રમ્પે નાઇજીરિયામાં હવાઈ હુમલાનો આદેશ આપ્યો. ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયાના સોકોટો રાજ્યમાં આ હુમલા કરાયા, જેનો હેતુ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આતંકવાદીઓ હતા. ટ્રમ્પે પોલિટિકોને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં આ હુમલા ‘ક્રિસમસ ગિફ્ટ’ તરીકે કર્યા હતા. આ હુમલાઓ ખ્રિસ્તીઓની હત્યા કરતા આતંકવાદીઓ સામે કરાયા હતા.

નુકસાન: ગિનીના અખાતમાં તહેનાત અમેરિકન નૌકાદળના જહાજમાંથી એક ડઝનથી વધુ ટોમાહોક મિસાઈલ છોડાઈ હતી. સ્થાનિક મીડિયાના મતે, જાબો શહેરમાં મિસાઈલનો કાટમાળ પડ્યો હતો. આતંકવાદીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે, પરંતુ ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી.

4. સોમાલિયા: ગુફામાં છુપાયેલા આતંકીઓ સામે કાર્યવાહી

ટ્રમ્પના બીજા કાર્યકાળનો પહેલો મોટો હુમલો 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સોમાલિયામાં કરાયો. આ હુમલાનો ઉદ્દેશ્ય ઈસ્લામિક સ્ટેટ-સોમાલિયા અને અલ-શબાબ જેવા આતંકવાદી સંગઠનો હતા. આખા વર્ષ દરમિયાન સોમાલિયામાં હવાઈ હુમલા ચાલુ રહ્યા.

નુકસાન: સોમાલિયામાં ઓછામાં ઓછા 111 હવાઈ હુમલા કરાયા. ફેબ્રુઆરીના એક હુમલામાં 14 આતંકી માર્યા ગયા, જેમાં એક વરિષ્ઠ કમાન્ડર અહેમદ મેલેનીનિન પણ સામેલ હતો. ડિસેમ્બરમાં નીચલા જુબા પ્રદેશમાં થયેલા એક હુમલામાં 7 બાળકો સહિત ઓછામાં ઓછા 11 નાગરિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

5. યમન: હુથી બળવાખોરો સામે ‘ઓપરેશન રફ રાઇડર’

ટ્રમ્પે યમનમાં હુથી બળવાખોરો સામે 15 માર્ચ, 2025થી હવાઈ હુમલા શરૂ કર્યા. આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન રફ રાઇડર’ હતું. હુથીઓ રાતા સમુદ્રમાં અમેરિકી અને વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યા હતા, જેના જવાબમાં આ કાર્યવાહી કરાઈ હતી. 

નુકસાન: આ હુમલામાં 1,000 થી વધુ લક્ષ્યાંકોને નિશાન બનાવાયા, જેમાં હુથી લડવૈયા અને નેતાઓ માર્યા ગયા. એ હુમલામાં JASSM, JSOW અને ટોમાહોક મિસાઈલનો ઉપયોગ કરાયો હતો અને પહેલા મહિનામાં જ ખર્ચ 1 બિલિયન ડોલરથી વધુ થઈ ગયો. 6 મેના રોજ ઓમાનની મધ્યસ્થીમાં સીઝફાયર થયા બાદ આ ઓપરેશન બંધ કરાયું. 

6. સીરિયા: ‘ઓપરેશન હોકઆઇ’ દ્વારા બદલો લીધો

સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના હુમલામાં 19 ડિસેમ્બર 2025ના રોજ બે અમેરિકન સૈનિક અને એક અનુવાદકના મૃત્યુના જવાબમાં ટ્રમ્પે ‘ઓપરેશન હોક આઇ’ શરૂ કર્યું. આ હુમલાને ડિફેન્સ સેક્રેટરીએ ‘બદલો’ ગણાવ્યો હતો.

નુકસાન: અમેરિકન ફાઈટર પ્લેન, એટેક હેલિકોપ્ટર અને આર્ટિલરીએ સીરિયાના મધ્ય ભાગમાં ઈસ્લામિક સ્ટેટના 70થી વધુ લક્ષ્યાંક પર હુમલો કર્યો. 100થી વધુ પ્રિસિઝન મિશનમાં 23 આતંકવાદી ઓપરેટિવ માર્યા ગયા અથવા પકડાયા.

આ પણ વાંચો : તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ!

7. ઇરાક: ઈસ્લામિક સ્ટેટનો ટોપ કમાન્ડર ઠાર

ઇરાકના અલ-અનબાર પ્રાંતમાં 13 માર્ચ, 2025ના રોજ અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઈસ્લામિક સ્ટેટનો નંબર 2 લીડર ‘અબ્દુલ્લાહ મક્કી મુસ્લિહ અલ-રિફાઈ’ માર્યો ગયો.

નુકસાન: એ હુમલામાં અલ-રિફાઈ અને તેનો એક સાથી માર્યા ગયા. ઇરાકના વડાપ્રધાને તેને ‘ઇરાક અને વિશ્વના સૌથી ખતરનાક આતંકીઓમાંનો એક’ ગણાવ્યો હતો.

8. ઈક્વાડોરઃ કેરેબિયન ઓપરેશન્સનો ભાગ?

ટાઈમના રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોને નિશાન બનાવવાના નામે ઈક્વાડોરમાં સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરાઈ હતી. જો કે, અન્ય સ્ત્રોતોમાં ઈક્વાડોરનો સ્વતંત્ર દેશ તરીકે ઉલ્લેખ નથી. મોટા ભાગના રિપોર્ટ્સ કેરેબિયન સમુદ્ર અને પૂર્વીય પેસિફિકમાં ડ્રગ વિરોધી ઓપરેશનની વાત કરે છે, જેમાં 7 દેશોનો સમાવેશ થાય છે. જો કે, ટાઈમ મેગેઝિને ઈક્વાડોરને સામેલ કરીને કુલ આઠ દેશ ગણ્યા હશે.

સોશિયલ મીડિયા પ્રતિક્રિયા: ઉજવણી કે વિરોધ?

ટાઈમના આ કવરને જોઈને લોકોના બે જુદા જુદા પ્રતિભાવ સામે આવ્યા છે. એક તરફ મેક અમેરિકા ગ્રે અગેઈન સૂત્રના સમર્થકો તેને ટ્રમ્પની સિદ્ધિ તરીકે જુએ છે. એક યુઝરે લખ્યું કે, ટ્રમ્પ ‘ડિલિવર’ કરે છે. આ પહેલાના ઘણાં પ્રમુખો વિશે આવું કહી શકાતું નથી. 

બીજી તરફ, ટીકાકારો તેને તેમના ‘નો ન્યૂ વૉર’ના વચન સાથે દગો ગણાવે છે. એક યુઝરે વ્યંગ કરતાં કહ્યું, ‘મને MAGA કલ્ટના બધા સભ્યો ગમે છે જેઓ વિચારે છે કે TIME અહીં તેમની પ્રશંસા કરી રહ્યું છે.’ 

નોંધનીય છે કે, ટાઈમનું આ કવર ટ્રમ્પના ‘નો ન્યૂ વૉર્સ’નું વચન અને તેમની વાસ્તવિક લશ્કરી નીતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે.

આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન



Source link

Related Articles

Back to top button