‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor Slams Nitish Kumar Over Rajya Sabha Move and Son’s Entry into Politics

![]()
Bihar Politics News : બિહારના કૈમૂરના ભભુઆમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે સોમવારે (9 માર્ચ) મીડિયા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજ્યસભા જવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ‘ઘણા લોકોએ અમારી વાતની મજાક ઉડાવી હતી. પ્રશાંત કિશોર અને જન સુરાજ એ પહેલા લોકો હતા જેમણે કહ્યું હતું કે એક તો NDA જીતશે નહીં અને જો NDA જીતી ગઈ તો નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે નહીં.’
અમે હવામાં વાતો નથી કરતા – પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે (Prashant Kishor) વધુમાં કહ્યું કે, ‘હવે તમે જોઈ લો. ત્રણ મહિના થયા છે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી નથી. રાજીનામું નથી આપ્યું પણ હવે તેઓ સીએમ નથી. આ તો પહેલા દિવસથી જ ખબર હતી. અમે લોકો હવામાં વાતો કરતા નથી.’
‘વોટ ન ખરીદ્યા હોત તો…’
પ્રશાંત કિશોરે આગળ ઉમેર્યું કે, ‘જો સરકારે 10 હજાર રૂપિયા આપીને વોટ ન ખરીદ્યા હોત તો જેડીયુને 25થી વધુ બેઠકો ન મળી હોત. આ વાત પર હું આજે પણ કાયમ છું.’ મુખ્યમંત્રીની તબિયત અંગે તેમણે કહ્યું કે, ‘નીતીશ કુમારની માનસિક અને શારીરિક સ્થિતિને સિસ્ટમ ગમે તેટલી છુપાવે, પણ નીતીશ કુમારને ખબર છે કે તેઓ હવે કામ કરી શકે તેમ નથી. માનસિક અને શારીરિક રીતે નીતીશ કુમાર સીએમ પદ પર રહેવાની સ્થિતિમાં નથી.’
નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશ પર પ્રશાંત કિશોરનો કટાક્ષ
નીતીશ કુમાર (CM Nitish Kumar)ના પુત્ર નિશાંત કુમાર વિશે પ્રશાંત કિશોરે જણાવ્યું કે, ‘તેમના પિતાનો જ પક્ષ છે, તેઓ પાર્ટીમાં આવ્યા છે. રાજકારણની શરૂઆત કરી રહ્યા છે તો તેમને મારી શુભકામનાઓ છે. પરંતુ નીતીશ કુમાર આજીવન વંશવાદ વિરુદ્ધ બોલતા રહ્યા છે અને આજે તેમનો પુત્ર રાજકારણમાં આવી રહ્યો છે. નેતા ગમે તે હોય, તેમણે પોતાના પુત્ર માટે સિંહાસનની ચિંતા ચોક્કસ કરી છે. બિહારની જનતાએ પોતાના બાળકો માટે ચિંતા કરી નથી.’
આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન



