બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During Gujarat Bar Council Elections Counting Stops After Officer Threatens to Quit

![]()
Gujarat Bar Council Election: ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી શુક્રવારે (છ્ઠી માર્ચ) રાજ્યભરમાં વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓના સ્થળાંતર સમયે થયેલી માથાકૂટે વિવાદ સર્જ્યો છે. આ વિવાદ એટલો વકર્યો કે ચૂંટણી અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપી છે, જેના કારણે હાલ મતગણતરીની પ્રક્રિયા અટકી પડી છે.
ખોટા સંદેશાઓ અને અફવાઓ
ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે બેલેટ બોક્સ (મતપેટીઓ) સીલ કરીને ટ્રકમાં લોડ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે કેટલાક ઉમેદવારો અને તેમના એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ BCG ના સ્ટાફને ધમકી આપી હતી કે તેઓ ટ્રકને સળગાવી દેશે અને સ્ટાફને ટ્રકમાંથી નીચે ઉતારવા માટે ડરાવ્યા હતા. પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની હતી કે સેક્રેટરીએ પોલીસ પ્રોટેક્શન બોલાવવાની ફરજ પડી હતી.
રિટર્નિંગ ઓફિસરોએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર મતોની ગણતરીની પદ્ધતિ વિશે ખોટા અને પાયાવિહોણા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને યાદ અપાવવામાં આવ્યું હતું કે મતોની ગણતરીના નિયમો (નિયમ 24) મુજબ રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય આખરી હોય છે અને ઉમેદવારોને દરેક બેલેટ પેપર જોવાનો અધિકાર હોતો નથી. જો પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય, તો રિટર્નિંગ ઓફિસરોએ રાજીનામું આપવાની ચેતવણી પણ આપી છે.



