गुजरात

ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 1 મહિલા સહિત 3 ના મોત નિપજ્યાં | 3 people including 1 woman died in 3 accidents in Kheda district



– જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– નેશનલ હાઈવે નં. 48 ગોબલજ બ્રીજ, મહેમદાવાદ-ખેડા બ્રિજ અને નરસંડા-વડતાલ રોડ ઉપર અકસ્માત સર્જાયા 

નડિયાદ : ખેડા જિલ્લામાં રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ત્યારે નેશનલ હાઈવે નંબર ૪૮ ગોબલજ બ્રીજ, મહેમદાવાદ-ખેડા બ્રિજ પર તેમજ નરસંડા વડતાલ રોડ ઉપર અકસ્માત સર્જાયા હતા. આ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ એક મહિલા સહિત ત્રણના મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે જે-તે પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાત તાલુકાના કંસારી ગામમાં રહેતા સુરેશભાઈ મણીભાઈ પટેલ રવિવારે સવારે ઇકો ગાડીમાં જીણજથી કમોડ જઇ રહ્યા હતા. આ ગાડી બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નંબર ૪૮ ગોબલજ બ્રીજ પરથી પસાર થતી હતી, ત્યારે પિયુષ પેલેસ નજીક ઈકો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ઇકો ગાડીમાં બેઠેલા સુરેશભાઈ પટેલ (ઉં. વ. ૫૮)ને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને તુરંત જ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સુરેશભાઈ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ઇકો ગાડીના ચાલક મોહમ્મદ જુનેદ અબ્દુલ નાસીર શેખ (રહે. ખંભાત) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં બીજા બનાવમાં મધ્યપ્રદેશના તોરણીયા ગામના રાહુલ મહેરબાન સિંગ માલવીયા શનિવારે આઇસર ગાડીમાં ઇટારસીથી ચોખા ભરી ગાંધીધામ જવા નીકળ્યા હતા. તેઓ શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે ખાત્રજ ચોકડીથી ખેડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે મહેમદાવાદ બ્રિજ ઉપર આઈસર ગાડીનું આગળનું ટાયર ફાટતા ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી ટાયર બદલતા હતા. ત્યારે પુર ઝડપે આવેલ મોટર સાયકલ ઉભેલી આઇસર ગાડીમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેથી બાઈક ચાલક મોહમ્મદ હમઝા આરીફ ભાઈ શેખ (રહે. જીન્નત સોસાયટી, મહેમદાવાદ )ને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થતાં તુરંત જ ૧૦૮ માં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં બાઈક ચાલક મોહમ્મદ હમઝા શેખનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાહુલ મહેરબાન સિંગ માલવીયાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ કરી હતી.

જ્યારે અકસ્માતના ત્રીજો બનાવ નરસંડા વડતાલ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં ચકલાસી કાશીબા નગરમાં રહેતા રમેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા આજે સવારે તેમની મોટર સાયકલ પર પત્ની વિલાસબેનને બેસાડી વડતાલ રવિપુરા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન નરસંડા વડતાલ રોડ ઉપર મીરા દાતાર મોટર આગળ રોડ ઉપર એક બાઈક ચાલક બાઈક આડી કરીને ઉભો હતો અને એકાએક મોટર સાયકલ ચલાવી રોડ પર આવી બાઈક સાથે અથડાવી હતી. જેથી બાઇક સવાર દંપતિ રોડ ઉપર પડી ગયા હતા.જેમાં બાઈક પાછળ બેઠેલ વિલાસબેનને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થઈ હતી. વિલાસબેનને તુરંત જ ૧૦૮ માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે વિલાસબેન (ઉં.વ. ૩૭)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાની વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button