અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | Young man commits suicide by writing a note saying he is tired of life

![]()
વડોદરા, તા.8 બસ થાકી ગયો છું જિંદગીથી, હું જે કઇ કરું છું મારી મરજીથી કરું છું તેવી અંતિમચિઠ્ઠી લખી અનગઢના યુવાને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં માત્ર ગળા ફાંસો ખાઇને આપઘાતના ત્રણ બનાવો નોંધાયા છે.
વડોદરા નજીક અનગઢમાં વખતપુરા ગરનાળા પાસે રહેતા ૩૫ વર્ષના રાકેશ અરવિંદ ગોહિલે બપોરે બે વાગ્યા પહેલા રહસ્યમય સંજોગોમાં દુપટ્ટાથી ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી એક અંતિમચિઠ્ઠી મળી હતી જેમાં મૃતકે લખ્યુ હતું કે હું જે પણ કરું છું મારી મરજીથી કરું છું, આમા કોઇ જબરદસ્તી નથી કે કોઇનું દબાણ નથી, બસ થાકી ગયો છું જિંદગીથી. મારા મોત પછી કોઇ પણ જાતની પૂછપરછ કે કોઇ પણ ઇન્કવાયરી કરતા નહી.
હું મારી મરજીથી કરુ છું બસ એટલું જ કહીશ, મારા ભાઇને કહેવાનું કે મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે, હવે તારે ઘર ચલાવવાનું છે, મારા ફેમિલીએ બહુ ખુશી આપી પણ આજથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી હવે જીવવા માટે આટલી જિંદગી બહુ છે મને માફ કરી દેજો.
અન્ય બનાવમાં માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ પાસે લાભુબાનગરમાં રહેતા રમેશ શિવરામ ચૌધરી(ઉ.વ.૬૭)એ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શિનોર તાલુકાના મોટા ફોફળિયામાં ટેકરી ફળિયામાં રહેતા દશરથભાઇ જશુભાઇ વસાવા(ઉ.વ.૨૮)એ પણ ફાંસો ખાઇ લેતા તેને પ્રથમ ફોફળિયા ખાતે અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.



