હવે ટ્રમ્પે કહ્યું – ફક્ત દબાણ ઘટાડવા ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદીની છૂટ આપી | Trump Explains Russian Oil Waiver for India Global Energy Market Relief

![]()
Donald Trump on India to buy Russian Oil : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયન ઓઇલ ખરીદવા માટે આપેલી અસ્થાયી છૂટ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે આ નિર્ણય વૈશ્વિક ઉર્જા બજાર (Global Energy Market) પર વધી રહેલા દબાણને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
શા માટે આપવામાં આવી છૂટ?
ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઓઇલના ભાવમાં થઈ રહેલા વધારાને રોકવા માટે ભારતને આ છૂટ આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ છૂટ માત્ર એવા શિપમેન્ટ માટે છે જે પહેલેથી જ રસ્તામાં (In transit) હતા, જેથી અચાનક ઓઇલનો પુરવઠો ખોરવાય નહીં.
ભારતની ભૂમિકાના કર્યા વખાણ
અમેરિકી અધિકારી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે ભારતે આ મામલે અત્યંત સમજદારીપૂર્વક ‘બેહતરીન એક્ટર’ તરીકેની ભૂમિકા ભજવી છે. ભારતે અગાઉ અમેરિકાની વિનંતી પર રશિયન ઓઇલની ખરીદી ઘટાડી હતી અને તેને અમેરિકન ઓઇલથી બદલવાની તૈયારી બતાવી હતી. જોકે, વર્તમાન કટોકટીને જોતા અમેરિકાએ હવે ભારતને આ મામલે રાહત આપી છે.
વૈશ્વિક ઓઇલ પુરવઠો મજબૂત હોવાનો દાવો
ટ્રમ્પે એ વાત પર ભાર મૂક્યો કે દુનિયામાં ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અમેરિકા પોતે પણ મોટા પાયે ઓઇલનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ઓઇલના પુરવઠાને લગતી સમસ્યાઓ જલ્દી ઉકેલાઈ જશે. ‘એર ફોર્સ વન’ માં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો દબાણ ઘટાડવા માટે તેઓ વધુ પગલાં પણ લેશે.
છૂટની સમયમર્યાદા અને શરતો
અમેરિકન ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, આ છૂટ (Waiver) માત્ર એવા શિપમેન્ટ પર લાગુ થશે જે 5 માર્ચ 2026 સુધીમાં જહાજો પર લોડ થઈ ચૂક્યા હતા. આ છૂટ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ એક ટૂંકા ગાળાનો (Short-term) નિર્ણય છે અને રશિયા પ્રત્યેની તેમની વ્યાપક નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.


