ઈરાન પર સૌથી મોટો હુમલો કરી તેનો નાશ કરી નાંખીશું : ટ્રમ્પ | We will launch the biggest attack on Iran and destroy it: Trump

![]()
– હજારો વર્ષોમાં પહેલી વખત ઈરાન પડોશી દેશો સામે હાર્યું : ટ્રમ્પ
– ઈરાનના પ્રમુખ પઝેશકિયને ખાડી દેશોની માફી માગી, વધુ હુમલા નહીં કરવાની ખાતરી આપી છતાં ડ્રોન હુમલા યથાવત્
– છેલ્લા 24 કલાકમાં ઈરાનના હુમલાઓમાં અમેરિકાના 220થી વધુ સૈનિકો માર્યા ગયાનો આઈઆરજીસીનો દાવો
દુબઈ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આઠમા દિવસે વધુ ભયાનક બન્યું છે. ઈરાને સંપૂર્ણ શરણાગતિની માગ ફગાવતા ટ્રમ્પે ઈરાનનો નાશ કરી નાંખવાની અને સૌથી મોટા હુમલા કરવાની જાહેરાત કરી છે. ઈઝરાયેલે લેબેનોન પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, જેને પગલે નબી ચિટ શહેરની પૂર્વમાં ૪૧ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૪૦ લોકો ઘાયલ થયા હતા. દરમિયાન ઈરાને તેલ અવિવ, યરુશલમ અને મનામામાં મિસાઈલ હુમલા કરતા ઈઝરાયેલમાં ભારે વિનાશ સર્જાયો છે. જોકે, ઈરાનના પ્રમુખ મસુદ પઝેશકિયને ખાડી દેશોની માફી માગી વધુ હુમલા નહીં કરવાની ખાતરી આપી હતી. આમ છતાં તેમના પર ડ્રોન હુમલા ચાલુ રહ્યા હતા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનને ખેદાન-મેદાન કરી નાંખવાની ધમકી આપી હતી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ઈરાન અત્યંત ખરાબ રીતે હારી રહ્યું છે. તેણે પોતાના મધ્ય-પૂર્વીય પડોશીઓની માફી માગતા આત્મસમર્પણ કરી દીધું છે અને વચન આપ્યું છે કે તે હવે તેમના પર હુમલા નહીં કરે. આ વચન અમેરિકા અને ઈઝરાયેલના સતત હુમલાના કારણે અપાયું છે. તેઓ મધ્ય-પૂર્વ પર કબજો કરીને શાસન કરવા માગતા હતા, પરંતુ હજારો વર્ષોમાં પહેલી વખત ઈરાન તેના પડોશી મધ્ય-પૂર્વીય દેશો સામે હારી ગયું છે.
તેમણે ઉમેર્યું કે, જોકે, ઈરાન સંપૂર્ણપણે નાશ ના પામે ત્યાં સુધી તેના પર હુમલા ચાલુ રખાશે. ઈરાન પર આજે રાતે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે. ઈરાનના ખરાબ વર્તનના કારણે એવા ક્ષેત્રો અને લોકો પર પણ હુમલો થઈ શકે છે જ્યાં હજુ સુધી હુમલો થયો નહોતો. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, તેમણે ઈરાન નેવીના ૪૨ જહાજ સમુદ્રમાં ડુબાડી દીધા છે. આ બાબતના સંકેત આપતા અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે બી-૨ બોમ્બર્સનો એક વીડિયો શૅર કર્યો હતો.
ઈઝરાયેલ પણ લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા. ઈઝરાયેલના હવાઈ હુમલામાં નબી ચિટ શહેરમાં ૪૧ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૪૦થી વધુને ઈજા થઈ છે તેમ લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ઈઝરાયેલે તહેરાન અને ઈસ્ફહાનમાં ૮૦ ફાઈટર જેટ સાથે હવાઈ હુમલા કર્યા હતા અને અનેક સ્થળોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.
દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં રાજકીય ગુંચવણ અને મતભેદો સર્જાયા હોવાના સંકેત મળી રહ્યા છે. ઈરાનના પ્રમુખ મસૂદ પઝેશકિયને શનિવારે તેમના હુમલા બદલ ખાડી દેશોની માફી માગી હતી અને વધુ હુમલા નહીં થાય તેવી ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, ઈરાનના પડોશીની ધરતી પરથી તેમના પર હુમલા ના થાય તો તેમના પર હુમલો કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. જોકે, ઈરાન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે.
ઈરાનના પ્રમુખ પઝેશકિયનની ખાતરી છતાં ખાડી દેશો પર ઈરાનના હુમલા અટક્યા નહોતા. ઈરાનની ત્રણ સભ્યોની કાઉન્સિલે હુમલાઓ મુદ્દે તેમના સૈન્ય કમાન્ડરોનો સંપર્ક કર્યો હતો. જોકે, આ બાબતો એવા સંકેત આપે છે કે ઈરાનનું સૈન્ય તેમના રાજકીય નેતૃત્વના નિયંત્રણમાં નથી. ઈરાનના સૈન્યે સાઉદી અરબ, કતર, બહરીન અને યુએઈ સહિતના દેશો પર ઈરાનને ડ્રોન હુમલા કર્યા હતા. શનિવારે સવારે દુબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો થતાં એરપોર્ટને કેટલાક કલાકો માટે બંધ કરાયું હતું.
આ સિવાય ઈરાને ઈઝરાયેલમાં તેલ અવિવ, યરુશલેમ અને મનામા પર મિસાઈલમારો ચાલુ રાખ્યો હતો. આઈઆરજીસીએ દાવો કર્યો હતો કે, ઈરાને અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ કામિકાજે ડ્રોન અને ૬૦૦થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અમેરિકા અને ઈઝરાયેલના સ્થળો પર ઝીંકી છે. ઈરાન આર્મીના પ્રવક્તાએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનના હુમલાઓમાં અમેરિકાના ૨૨૦થી વધુ સૈનિકો માર્યા ગયા અથવા તેમને ઈજા પહોંચી છે. આ સિવાય જોર્ડનમાં અમેરિકાની ૩૦૦ મિલિયન ડોલરની રડાર સિસ્ટમ તોડી પાડી હતી.
ઈરાનના વોટર પ્લાન્ટ પર અમેરિકાનો હુમલો : 30 ગામોમાં પાણીની અછત
તહેરાન : અમેરિકા અને ઈઝરાયેલે એક સપ્તાહથી ઈરાનમાં વિનાશક હવાઈ હુમલાઓનો મારો ચલાવ્યો છે. હવે અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પરના એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર હુમલો કર્યો છે.
આ નાગરિક એકમ તેની આજુબાજુના લગભગ ૩૦ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણીમાં પરીવર્તિત કરાતું હતું.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, અમેરિકાએ કેશમ ટાપુ પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ઈરાદાપૂર્વક કરેલો હુમલો અત્યંત ક્રૂર ગૂનો છે. આ પ્લાન્ટને નુકસાન થવાથી ૩૦ ગામોમાં પીવાના પાણીના પૂરવઠા પર અસર થઈ છે. ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવો એ અમેરિકાનું ખતરનાક પગલું છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે. આ હુમલો અમેરિકાની હતાશા દર્શાવે છે.


