गुजरात

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social Justice Committee Chairman dies murder suspected



તાલાલાનાં રમળેચી ગીર ગામેથી મૃતદેહ મળ્યો

હાથ, માથું અને પગ ઉપરાંત ગુપ્તાંગના ભાગમાં ગંભીર ઈજાનાં નિશાન મળ્યાં, દલિત સમાજમાં શોક સાથે આક્રોશ

તાલાલા ગીર: તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામે નવાપરા વિસ્તારમાં જુથળ ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એવા દલિત સમાજના યુવા આગેવાનની લાશ મળતા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. વળી, તેમને શરીરે ગંભીર ઈજાના નિશાન હોવાથી હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ દલિત સમાજમાં આક્રોશનો માહોલ સર્જતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો છે.

વિગત પ્રમાણે માળિયા તાલુકાના જુથળ ગ્રામ પંચાયતના સભ્ય અને દલિત સમાજના અગ્રણી ભરતભાઈ રમેશભાઈ સોંદરવા (ઉ.વ.૩૨) રમળેચી ગીર ગામે નવાપરા વિસ્તારમાં રહેતા તેમના માસીના ઘર પાસેથી ગંભીર ઇજા પામેલી હાલતમાં મળતા પરિવારજનો તાલાલા હોસ્પિટલે લાવ્યા હતા, પરંતુ અહીં તેઓ મૃત્યુ પામ્યાનું જાહેર કરાતા આક્રંદ છવાઈ ગયો હતો. આ બાબતે તબીબોએ જાણ કરતા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી અને શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાથી મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાતા જીણવટભરી તપાસ આરંભી હતી. 

મૃતક યુવા અગ્રણી ભરતભાઈ સોંદરવા જુથળ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપરાંત આરટીઆઈ એકટીવિસ્ટ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ગીર સોમનાથ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા એમ.એફ. ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારે તાલાલા દોડી આવી બનાવના સ્થળની વિઝીટ કરી જરૂરી સુચનાઓ આપી હતી. બીજી તરફ દલિત સમાજના અગ્રણીઓ અને લોકોએ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવી ભારે રોષ વ્યક્ત કરી હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે આરોપીઓને તુરંત પકડી પાડવા માંગણી કરી હતી. આ બનાવ અંગે તાલાલા પીઆઈ એ.બી. ગોહિલે વધુ તપાસ શરૂ કરી છે. 

– મૃતક યુવાનની લાશ ફોરેન્સિક પીએમ માટે જૂનાગઢ મોકલાઈ

રમળેચી ગીર ગામે રહસ્યમય રીતે મૃત્યુ પામેલ દલિત યુવાન ભરતભાઈને હાથ, માથામાં અને પગમાં ગંભીર ઈજા ઉપરાંત ગુપ્તાંગ ભાગમાં પણ ઈજા થઈ હતી. સમાજના અગ્રણીઓએ મૃતકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ જુનાગઢ સિવીલ ફોરેન્સિક વિભાગમાં કરવા માંગણી કરતા લાશને જુનાગઢ મોકલવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button