અમે તેવી શોર્ટ ટર્મ છૂટ ઉપર નિર્ભર નથી : રશિયાના ક્રૂડ ખરીદવામાં અમારે કોઇની મંજૂરીની જરૂર નથી : ભારત | We not need anyone approval to buy Russian crude: India

![]()
– રશિયામાંથી તેલ આયાતની છૂટનો ભારતનો રોકડો જવાબ
– ઇરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધે વર્લ્ડ એનર્જી સેકટરમાં ઉથલ પાથલ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરવાની ઇરાનની ધમકીથી તેલના ભાવ ઊંચકાયા છે
નવી દિલ્હી : ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપનારાં અમેરિકાને ભારતે કરારો પલટવાર કર્યો છે. શનિવારે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે રશિયન તેલ ખરીદવા માટે અમારે કોઈની મંજૂરીની જરૂર નથી. અમે રશિયામાંથી ક્રૂડ ખરીદવું ચાલુ જ રાખીશું.
ઇરાન ઉપર અમેરિકા ઇઝરાયલે કરેલા હુમલાએ વર્લ્ડ એનર્જી સેકટરમાં ઉથળ પાથલ કરી નાખી છે. તેથી દુનિયાભરમાં તેલની કિંમતમાં તેજી આવી છે. સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝથી જહાજો પસાર ન થવા દેવાની ઇરાનની ધમકી પછી ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો શરૂ થઇ ગયો છે.
ભારત સરકારનાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એક નિવેદન પ્રસિધ્ધ કરી જણાવ્યું છે કે નવી દિલ્હી, આવી શોર્ટ ટર્મ છૂટ ઉપર નિર્ભર નથી. ભારતે ફેબુ્રઆરી ૨૦૨૬માં પણ રશિયામાંથી તેલ આયાત કર્યું હતું અને આયાત કરી પણ રહ્યું છે. રશિયા અત્યારે પણ ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર છે.
વૉશિંગ્ટને ફેબુ્રઆરીમાં એક અંતરિમ ટ્રેડ ડીલ નીચે ભારતના આયાતી માલ ઉપર લાદેલી ૫૦ ટકા ટેરિફમાંથી ૨૫ ટકા ટેરિફ પાછી ખેંચી હતી. તે માટે કારણ આપ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ નહીં ખરીદવા વચન આપ્યું છે. પરંતુ વાસ્તવમાં ભારતે તેવું કોઈ કમીટમેન્ટ આપ્યું જ ન હતું.
ભારતે તે સાથે આગળ જણાવ્યું હતું કે ટૂંકા સમય પૂરતી રૂકાવટ થઇ જાય. તો તેને પહોંચી વળવા ભારત પાસે ૨૫૦ મિલિયન બેરલથી વધુ ક્રૂડ અને પેટ્રોલિયમ પ્રોડક્ટનો સ્ટોક છે.
જો કે ભારતે શનિવારે રાંધણગેસના સીલીન્ડર દીઠ ભાવમાં રૃા. ૬૦નો વધારો કર્યો છે. કોમર્શિયલ સીલીન્ડરના ભાવમાં પણ ઘણો મોટો વધારો કર્યો છે.
દુનિયાભરમાં ક્રૂડ ૮.૫ ટકા વધ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇરાન બિન શરતીય શરણાગતિ સ્વીકારે તો જ મિડલ ઇસ્ટ યુદ્ધ બંધ થશે. આ સપ્તાહે યુદ્ધ વિસ્તરવાની શક્યતા ૩૦ ટકા જેટલી વધી છે.



