Explainer: ટ્રમ્પ સામે દુષ્કર્મના આરોપોને લગતી એપસ્ટિન ફાઇલો ‘ભૂલ’થી જાહેર નહોતી કરાઈ, જાણો શું છે વિવાદ | what is trump epstein files controversy news update

Trump Epstein Files 2026: અમેરિકન ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ(DOJ) છેલ્લાં ઘણાં સમયથી ગુનેગાર જેફરી એપ્સટિન સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કરી રહ્યો છે. આ ફાઇલોમાં એપ્સટિનના ગુના, તેની તપાસ અને તેની સાથે સંપર્કમાં રહેલા લોકો વિશે માહિતી અપાઈ રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા કેટલાક દસ્તાવેજોમાં એક મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લગાવેલા જાતીય શોષણના આરોપોનો ઉલ્લેખ છે. જો કે ન્યાય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે આ આરોપો વિશ્વસનીય નથી અને તેમના માટે કોઈ મજબૂત પુરાવા નથી. મહત્ત્વની વાત એ છે કે આ દસ્તાવેજો અગાઉ જાહેર ફાઇલોમાં સામેલ નહોતા. હવે ન્યાય વિભાગ કહે છે કે, આ ફાઈલો ‘ભૂલથી’ જાહેર નહોતી કરાઈ. જો કે, ન્યાય વિભાગના આવા બહાના પછી અમેરિકાનું રાજકારણ ફરી ગરમાયું છે.
DOJ ની ‘ભૂલ’ કેવી રીતે સામે આવી?
Epstein Files Transparency Act નામના કાયદા હેઠળ ડિસેમ્બર 2025થી એપ્સટિન કેસ સાથે સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધી જાહેર કરાયેલા દસ્તાવેજો બાબતે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાતું હતું કે, આમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ ફાઇલો ગાયબ છે. નેશનલ પબ્લિક રેડિયો, ન્યૂઝ નેટવર્ક અને ન્યૂયોર્ક ટાઇમ્સ જેવા મીડિયા હાઉસે જણાવ્યું હતું કે, એફબીઆઈના ત્રણ મેમો, કુલ 50થી વધુ પાનાં, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની વેબસાઇટ પર દેખાતા નથી. આ મેમોમાં ટ્રમ્પ સામે આરોપ લગાવનાર મહિલાના ઇન્ટરવ્યૂનો સાર હતો.
ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ‘તપાસ’ કરી અને સ્વીકાર્યું કે ફાઇલો જાહેર કરવામાં ખરેખર ‘ભૂલ’ થઈ હતી. તેમનું કહેવું છે કે, આ દસ્તાવેજોને ડુપ્લિકેટ ફાઇલ સમજી લેવાઈ હતી અને એટલે જાહેર નહોતા કરાયા. માર્ચ 2026માં ન્યાય વિભાગે આ દસ્તાવેજો ફરી ડેટા બેઝમાં ઉમેર્યા અને કહ્યું કે, ‘અમે કોઈ દસ્તાવેજ કાઢી નાખ્યા નથી. સંબંધિત તમામ ફાઇલો જાહેર કરાઈ છે.’
ટ્રમ્પ સામે મહિલાના આરોપો શું છે?
નવા જાહેર દસ્તાવેજોમાં 2019માં એક અનામી મહિલાએ એફબીઆઈને આપેલી માહિતી સામેલ છે. એપ્સટિનની ધરપકડ થયા બાદ તેણે એફબીઆઈની ‘ટિપ લાઇન’(માહિતી આપવા માટેની ખાસ સંપર્ક વ્યવસ્થા) પર ફોન કરીને સંપર્ક કર્યો હતો અને નીચે મુજબના દાવા કર્યા હતા.
– 1980ના દાયકામાં તે 13થી 15 વર્ષની હતી, ત્યારે એપ્સટિન દ્વારા તેનો ટ્રમ્પ સાથે પરિચય કરાવાયો હતો.
– એપ્સટિન અને ટ્રમ્પ બંનેએ તેના પર જાતીય હુમલો કર્યો હતો.
– એક વખત એપ્સટિન તેને ન્યૂજર્સી કે ન્યૂયોર્ક લઈ ગયો હતો, જ્યાં ટ્રમ્પે તેની સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ બચવા માટે ટ્રમ્પને બચકું ભરી લીધું હતું.
– એપ્સટિને મહિલાની માતાને જેલમાં મોકલવાનું કાવતરું રચ્યું હતું અને તેની વિરુદ્ધ હિંસા આચરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
આરોપ લગાવ્યા બાદ એફબીઆઈની કાર્યવાહી
એફબીઆઈએ ફોનના માધ્યમથી મહિલાની સાથે ચાર વખત વાત કરી હતી. પરંતુ જ્યારે વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરાયો, ત્યારે તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને પછી સંપર્ક તોડી નાખ્યો. ત્યારબાદ આ મામલે કોઈ આરોપ દાખલ કરાયા નહોતા.
આરોપોની વિશ્વસનીયતા પર ઊભા થતાં પ્રશ્નો
આ આરોપો સામે આવ્યા બાદ ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. જેમ કે…
1. પુરાવાનો અભાવ: ન્યાય વિભાગે કહ્યું છે કે આ દાવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી. ન્યાય વિભાગના મતે, આરોપોમાં સચ્ચાઈ હોત તો તે પહેલાથી જ ટ્રમ્પ વિરુદ્ધ કેસ તરીકે ઉપયોગમાં લેવાઈ ગયા હોત.
2. સમયગાળાની ગૂંચવણ: મહિલાના કેટલાક નિવેદનો 1980ના દાયકાની ઘટનાઓ વિશે જાણીતી માહિતી સાથે મેળ ખાતા નથી. ઉદાહરણ તરીકે, તેણે જણાવ્યું કે એપ્સટિને દક્ષિણ કેરોલિનામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, પરંતુ એપ્સટિન એ રાજ્યમાં ક્યારેય રહ્યો હોવાના પુરાવા નથી.
3. અગાઉ પણ કોઈ કાર્યવાહી ન થઈ: વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ, બાઇડનના સમયમાં પણ ન્યાય વિભાગને આ આરોપોની જાણ હતી, પરંતુ ચાર વર્ષમાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.
4. ટ્રમ્પનો ઇનકાર: ટ્રમ્પે હંમેશાં એપ્સટિન સાથે સંબંધિત કોઈ પણ ખોટા કામનો ઇનકાર કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં બંને વચ્ચે મતભેદ થયા હતા અને ત્યાર પછી તેઓ અલગ થઈ ગયા હતા.
ટ્રમ્પના પક્ષના નેતાઓ પણ નારાજ, તો ડેમોક્રેટ્સ આક્રમક
એપ્સટિન કેસ સાથે સંબંધિત આ ફાઇલો જાહેર થતાં અમેરિકન રાજકારણમાં ફરી વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને કેટલીક ફાઇલો અગાઉ જાહેર ન થવા અને પછી ‘ભૂલ’ તરીકે બહાર આવવા અંગે બંને પક્ષના નેતાઓએ પ્રશ્નો ઊભા કર્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓએ ન્યાય વિભાગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એપ્સટિન કેસ જેવી સંવેદનશીલ તપાસમાં તમામ દસ્તાવેજો સંપૂર્ણ પારદર્શકતાથી જાહેર થવા જોઈએ. કેટલાક ડેમોક્રેટિક સાંસદોએ દાવો કર્યો છે કે ટ્રમ્પ અને એપ્સટિન વચ્ચેના સંબંધો વિશે હજુ પણ ઘણાં પ્રશ્નો બાકી છે.
એટલું જ નહીં, ટ્રમ્પના પોતાના જ પક્ષ એટલે કે રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ પણ ફાઇલો જાહેર કરવાની પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના મતે, દસ્તાવેજો તબક્કાવાર અને અધૂરા બહાર આવવાથી બિનજરૂરી શંકા ઊભી થઈ રહી છે. કેટલાક રિપબ્લિકને માંગ કરી છે કે એપ્સટિન કેસની તમામ સંબંધિત ફાઇલો એકસાથે જાહેર કરાય.
આ પણ વાંચો: અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ
વિવાદ વધતા અમેરિકન કોંગ્રેસની પગલાં લેવાની તૈયારી
આ મુદ્દે વધતા વિવાદ વધતા હાઉસ ઓવરસાઇટ સમિતિએ પણ પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. આ સમિતિએ ન્યાય વિભાગ પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે એટર્ની જનરલ પામ બોન્ડીને સમન્સ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમિતિ જાણવા માંગે છે કે એપ્સટિન કેસ સંબંધિત કેટલીક ફાઇલો અગાઉ કેમ જાહેર ન થઈ અને શું દસ્તાવેજો ‘ડુપ્લિકેટ’ તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરાયા હતા.
એપ્સટિન અને ટ્રમ્પના સંબંધ હજુ પણ એક કોયડો
આ દસ્તાવેજોમાં ટ્રમ્પનો ઉલ્લેખ અનેક વખત થયો છે. એક ઇ-મેઇલ મુજબ, અગાઉ મનાતું હતું તેના કરતા અનેકગણી વધુ વખત ટ્રમ્પ એપ્સટિનના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી ચૂક્યા હતા. પરંતુ આ દસ્તાવેજોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, કોઈ એજન્સીએ ટ્રમ્પની કોઈ ગુનામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હોય. ન્યાય વિભાગ દ્વારા અગાઉ ‘ભૂલથી’ ટ્રમ્પની ફાઈલ્સ રિલીઝ નહોતી કરાઈ અને હવે ટ્રમ્પે દુનિયાને માથે યુદ્ધ ઠોકી બેસાડ્યું છે ત્યારે જ આ ફાઇલો જાહેર કરાઈ છે, એ બાબતને ઘણાં નિષ્ણાતો શંકાની નજરે જોઈ રહ્યા છે.




