राष्ट्रीय

યુપીના નાયબ CMનો માંડ માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ | UP Deputy CM Keshav Prasad Maurya Safe After Helicopter Emergency Landing in Lucknow



UP Deputy CM Helicopter Emergency Landing: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શનિવારે (સાતમી માર્ચ) એક મોટી વિમાન દુર્ઘટનામાં આબાદ બચી ગયા હતા. લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે લખનઉના અમૌસી એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી લખનઉના લા માર્ટ્સ મેદાનથી કૌશામ્બી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટરે ઉડાન ભરી તેના થોડા સમય બાદ અચાનક પાયલટની કેબિન અને આસપાસના ભાગમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. આ સાથે જ હેલિકોપ્ટરની ડિસ્પ્લે સિસ્ટમ પણ ઠપ્પ થઈ ગઈ હતી. હવામાં સર્જાયેલી આ અચાનક ખામીને કારણે હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો: પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે

પરિસ્થિતિની ગંભીરતા પારખીને પાયલટે તાત્કાલિક લખનઉ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક સાધ્યો હતો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી. એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ કડક સુરક્ષા અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. પાયલોટે કુશળતાપૂર્વક હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું હતું.

તપાસના આદેશ

હેલિકોપ્ટરના ઉતરાણ બાદ તુરંત જ સુરક્ષા ટીમોએ નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન છે. હાલમાં ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને નાયબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સુરક્ષિત છે.



Source link

Related Articles

Back to top button