‘PM મોદીના જતા રહ્યા બાદ ઈરાન પર હુમલાનો નિર્ણય લેવાયો..’, ઈઝરાયલે ફરી કેમ કરી ચોખવટ? | israel clarifies pm modi visit iran attack decision taken after departure

Israel Clarification on PM Modi visit: માર્ચ મહિનાની શરૂઆતમાં જ મધ્ય પૂર્વમાં એક ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત સૈન્ય હુમલો કરવામાં આવ્યો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું નિધન થયું છે. આ હુમલાની ટાઇમિંગને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતીય રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે, કારણ કે આ હુમલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસના ઠીક બે દિવસ બાદ થયો હતો. પીએમ મોદી 25-26 ફેબ્રુઆરીએ ઈઝરાયલના પ્રવાસે હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે ભારતને આ હુમલાની અગાઉથી જાણ હતી. આ વિવાદ વધતા હવે ઈઝરાયલે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી રહી છે.
ઈઝરાયલની મોટી સ્પષ્ટતા: પીએમ મોદીને હુમલા અંગે કોઈ અગાઉથી જાણ નહોતી
ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારએ રાયસીના ડાયલોગમાં વર્ચ્યુઅલી ભાગ લેતા સ્પષ્ટ કર્યું હતું કે, પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમને ઈરાન પર થનારા હુમલા અંગે કોઈ પણ પ્રકારની ‘બ્રીફિંગ’ કે માહિતી આપવામાં આવી નહોતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત સાથે ઈઝરાયલના સંબંધો અત્યંત મજબૂત અને મહત્ત્વના છે, પરંતુ સૈન્ય કાર્યવાહીનો અંતિમ નિર્ણય પીએમ મોદી ભારત જવા રવાના થયા તેના પછી એટલે કે શનિવારની વહેલી સવારે લેવામાં આવ્યો હતો. આ પહેલા ઈઝરાયલના રાજદૂતે પણ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ પૂર્વ-નિર્ધારિત યોજના નહોતી, પરંતુ ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે મળેલી એક ઓપરેશનલ તક હતી, જેના પર પીએમ મોદીના ગયા બાદ અમલ કરવામાં આવ્યો હતો.
અમેરિકા-ઈરાન વચ્ચે મડાગાંઠ બાદ હુમલો બન્યો અનિવાર્ય
ઈઝરાયલે આ કડક પગલું લેવા પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા સતત વધી રહેલા પરમાણુ કાર્યક્રમ અને તેની મિસાઇલ ક્ષમતાને ગણાવ્યું છે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, ત્યારે ઈઝરાયલના અસ્તિત્વ પર મંડરાતા જોખમને દૂર કરવા આ હુમલો અનિવાર્ય બન્યો હતો. આ ઉપરાંત, ઈરાન દ્વારા હિઝબુલ્લાહ, હમાસ અને હૂથી બળવાખોરોને આપવામાં આવતા સમર્થનને પણ આ હુમલાનું મોટું કારણ ગણાવ્યું છે. ઈઝરાયલે હવે ઈરાનમાં સત્તા પરિવર્તનની દિશામાં પણ સંકેત આપ્યા છે.
ઈઝરાયલે વારંવાર સફાઈ આપી રાજકીય વિવાદોને ઠાર્યા
ભારતમાં વિપક્ષી નેતાઓ દ્વારા પીએમ મોદીની ઈઝરાયલ મુલાકાત અને ત્યારબાદના હુમલાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, ઈઝરાયલ વારંવાર સફાઈ આપીને એ સાબિત કરવા માંગે છે કે તેમનો વ્યૂહાત્મક ભાગીદાર ભારત આ સૈન્ય યોજનામાં સામેલ નહોતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ’48 કલાકની થિયરી’ એટલે કે મોદી ઈઝરાયલમાં હતા ત્યાં સુધી યુદ્ધ અટકાવી દેવાયું હતું, તેનું પણ ઈઝરાયલે ખંડન કર્યું છે. ઈઝરાયલ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે મધ્ય પૂર્વના આ જટિલ સંઘર્ષમાં ભારતની તટસ્થ છબીને કોઈ નુકસાન ન પહોંચે.




