યુદ્ધ વચ્ચે ટ્રમ્પના મિજાજ ઢીલા પડ્યાં? રશિયાને મોટી રાહતની શક્યતા, ભારતને મળશે ગુડ ન્યૂઝ! | us eases russia oil sanctions iran war strategic win for india

Global Oil Crisis: વૈશ્વિક કૂટનીતિ અને ઉર્જા બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. હંમેશા આક્રમક વલણ અપનાવનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અચાનક રશિયન તેલ પરના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે સરકાર રશિયન તેલના શિપમેન્ટ પરથી વધુ પ્રતિબંધો હટાવવા પર વિચાર કરી રહી છે. હાલમાં કરોડો બેરલ રશિયન તેલ દરિયામાં ફસાયેલું છે. અમેરિકા આ તેલને બજારમાં લાવીને સપ્લાય વધારવા માંગે છે, જેથી વિશ્વભરમાં વધી રહેલા તેલના ભાવને અંકુશમાં લઈ શકાય. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું રશિયાને રાહત આપવા માટે નહીં, પરંતુ તેલ બજારને સ્થિર કરવા માટે લેવામાં આવ્યું છે.
ઈરાન સાથેના યુદ્ધે ટ્રમ્પ પ્રશાસનને ઝૂકવા મજબૂર કર્યું
અમેરિકાની આ મજબૂરી પાછળ ઈરાન સાથેનો યુદ્ધ જવાબદાર છે. ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે ‘હોર્મુઝ સ્ટ્રેટ’માંથી થતો વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો છે, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. આ રસ્તો બંધ થતા માત્ર એક અઠવાડિયામાં તેલના ભાવમાં 30% નો તોતિંગ ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે ભલે ઈરાનના શરણાગતિ સુધી યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી હોય, પરંતુ તેઓ જાણે છે કે મોંઘું તેલ અમેરિકન અર્થતંત્રને મંદીમાં ધકેલી શકે છે. આથી, બજારમાં તેલની તંગી દૂર કરવા માટે અમેરિકા પાસે રશિયન તેલ પરથી પ્રતિબંધ હટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત સૌથી મોટા વિજેતા તરીકે ઉભર્યું
આ સમગ્ર વૈશ્વિક ઉથલપાથલમાં ભારત સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકાએ ભારતને 3 એપ્રિલ, 2026 સુધી દરિયામાં ફસાયેલું રશિયન તેલ ખરીદવાની વિશેષ અને હંગામી છૂટ આપી દીધી છે. ભારત તેની તેલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે, તેથી આ છૂટ ભારત માટે આર્થિક વરદાન સમાન છે. ભારત આ પ્રતિબંધિત તેલ રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકશે, જેનાથી દેશનું આયાત બિલ ઘટશે અને મોંઘવારી પર પણ અંકુશ રહેશે.
આ પણ વાંચો: ‘PM મોદીના જતા રહ્યા બાદ ઈરાન પર હુમલાનો નિર્ણય લેવાયો..’, ઈઝરાયલે ફરી કેમ કરી ચોખવટ?
જે તેલ પર ખતરો હતો, હવે અમેરિકાની મંજૂરીથી તેની ખરીદી
ભારતની આ જીત તેની ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ને આભારી છે. ભારતે ન તો અમેરિકા સાથે સીધો સંઘર્ષ કર્યો કે ન તો રશિયા સાથેના સંબંધો તોડ્યા. ભારતે શાંત રહીને યોગ્ય સમયની રાહ જોઈ અને પરિણામ એ આવ્યું કે જે તેલ ખરીદવા પર અગાઉ પ્રતિબંધનો ખતરો હતો, હવે તે જ તેલ ભારત અમેરિકાની ‘સત્તાવાર મંજૂરી’ સાથે ખરીદશે. આ કૂટનીતિક વિજય દર્શાવે છે કે વૈશ્વિક સંકટના સમયે પણ ભારત પોતાના હિતોનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે.




