दुनिया

ઈરાન પાસે શરણે થવા સિવાય કોઈ વિકલ્પ નથી : પ્રમુખ ટ્રમ્પની ધમકી | Iran has no choice but to surrender: President Trump’s threat



– ઈઝરાયેલના 50 ફાઈટર જેટે ખામેનેઈનું અન્ડરગ્રાઉન્ડ બંકર ઉડાવ્યું

– ઈરાનનો ઈઝરાયેલ તથા ખાડી દેશોમાં અનેક સ્થળો પર મિસાઈલમારો યથાવત્ : કતરમાં અમેરિકન રડાર સિસ્ટમ તોડી 

દુબઈ : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આ યુદ્ધ માત્ર ત્રણ દેશો પુરતું સિમિત ન રહેતાં છેલ્લા એક સપ્તાહમાં ૧૪ દેશો સુધી ફેલાયું છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. જવાબમાં ઈરાન પણ એક સાથે ૧૨ દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં ઈરાને કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ મિસાઈલ એલર્ટ સિસ્ટમ તોડી પાડી છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાનને ચેતવણી આપી કે ઈરાનની સંપૂર્ણ શરણાગતિ સિવાય હવે કોઈ સમજૂતી નહીં થાય. બીજીબાજુ ઈઝરાયેલે લેબેનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લા પર હવાઈ હુમલા યથાવત્ રાખ્યા છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહી છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, ઈરાન સાથે કોઈપણ શરત વિના આત્મસમર્પણ વિના કોઈ સમજૂતી નહીં થાય. ત્યાર પછી એક મહાન અને સ્વીકૃત નેતાની પસંદગી પછી અમે અને અમારા અનેક સાથીઓ ઈરાનને વિનાશના કિનારેથી પાછા લાવવા પ્રયત્ન કરીશું અને તેને આર્થિકરૂપે પહેલા કરતાં ઘણા ઊંચા, સારા અને મજબૂત સ્તરે લઈ જઈશું. ઈરાનનું ભવિષ્ય ઉજ્જવળ થશે. ઈરાનને ફરી મહાન બનાવો. આ સાથે ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી છે કે ઈરાન ઝુકશે નહીં તો તેનો સંપૂર્ણપણે વિનાશ કરવાની તેમની તૈયારી છે.

દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનમાં અનેક સ્થળો પર હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ પછી હવે આઈઆરજીસીના ટોચના કમાન્ડરો પર હુમલાની તૈયારી કરી છે. અમેરિકાએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે ઈરાનનું ડ્રોન કેરીયર તોડી પાડયું હતું. બીજીબાજુ ઈઝરાયેલે ૨૦૨૪માં યુદ્ધવિરામ થયા બાદ શુક્રવારે લેબેનોન પર ભારે હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હુમલાના પગલે બેરુત શહેરમાંથી હજારો નાગરિકો પરાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાગી છૂટયા છે. આ સિવાય ઈઝરાયેલના ૫૦ ફાઈટર જેટે ૧૦૦ બોમ્બથી તહેરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈનું અન્ડરગ્રાઉન્ડ બંકર પણ ઉડાવી દીધું હતું, જેનો વીડિયો પણ તેમણે પોસ્ટ કર્યો હતો.

વધુમાં મધ્ય-પૂર્વનું યુદ્ધ હવે મધ્ય-એશિયાના દેશોમાં ફેલાય તેવી આશંકા છે. ઈરાને અઝરબૈજાનમાં હુમલો કરતાં આ મુસ્લિમ દેશ ભારે ધુંધવાયું હતું. અઝરબૈજાને તહેરાનમાં તેનું દુતાવાસ અને તબરેજમાં વાણિજ્ય દુતાવાસ ખાલી કરી નાંખ્ય હતા. અઝરબૈજાને ઈરાન સાથેની સરહદ પર સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટીલરી સિસ્ટમ તૈનાત કરવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રી જેહુન બેયરામોવે કહ્યું કે, નખચિવન એરપોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ અપાશે. 

દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલને તેમના હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમીસ ફોરની ૨૨મી વેવ હેઠળ ખોર્રામશહર ૪, ખૈબર, ફતહ જેવા વધુ ઘાતક મિસાઈલોથી હુમલા કર્યા હતા. આ સાથે ઈરાને ખાડી દેશોને ચેતવણી આપી છે કે તેમના હુમલાથી બચવું હોય તો અમેરિકાના સૈનિકો અને નાગરિકોને તગેડી મૂકો. સાથે ઈરાને ખાડી દેશો પર હુમલા ચાલુ રાખતા કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ ૧.૧ અબજ ડોલરની કિંમતની મિસાઈલ રડાર સિસ્ટમ તોડી પાડી હતી. આ સિસ્ટમને મધ્ય-પૂર્વમાં અમેરિકાની આંખ કહેવાતી હતી.



Source link

Related Articles

Back to top button