‘ઝિઓનિસ્ટ શાસને મોટી ભૂલ કરી’ ઈરાન-US યુદ્ધ વચ્ચે ખામેનેઈના X એકાઉન્ટ પરથી પોસ્ટ | Khamenei’s X Post After Death: AI Missile Image Warns ‘Zionist Regime’ of Major Mistakes and Revenge

![]()
Iran-Israel War : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં ઈઝરાયેલને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને સાથે જ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી તસવીર પણ શેર કરવામાં આવી છે.
એઆઈ તસવીર દ્વારા ઈઝરાયેલને ભયાનક ધમકી
ખામેનેઈના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ એઆઈ તસવીરમાં મિસાઈલ નિર્માણની પ્રક્રિયાથી લઈને તેને લોન્ચ કરવા સુધીના તમામ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. તસવીરમાં ઈરાની વૈજ્ઞાનિકો મિસાઈલ તૈયાર કરતા, સૈન્ય કર્મચારીઓ તેને છોડતા અને અંતે તે મિસાઈલ લક્ષ્ય પર ત્રાટકતી હોય તેવું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ઝિઓનિસ્ટ શાસને મોટી ભૂલ કરી છે અને તેના પરિણામો તેમને નિરાશ કરી દેશે.
ખામેનેઈના મૃત્યુ બાદ પ્રથમ ડિજિટલ ધમકી
નોંધનીય છે કે, 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈનું ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, જેની પુષ્ટિ 1 માર્ચના રોજ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ કરવામાં આવેલી આ પ્રથમ પોસ્ટને ઈઝરાયેલ માટે ઈરાનની સીધી અને સ્પષ્ટ ધમકી માનવામાં આવી રહ્યો છે.
મધ્ય-પૂર્વમાં વધતો જતો તણાવ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના સૈન્ય અને પરમાણુ માળખાને નિશાન બનાવવા માટે શરૂ કરવામાં આવેલા આ યુદ્ધની અસર હવે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે. હુમલાઓ અને વળતા હુમલાઓ વચ્ચે મધ્ય-પૂર્વના અનેક દેશો આ સંઘર્ષની લપેટમાં આવી ગયા છે. ખામેનેઈના એકાઉન્ટ પરથી આવેલી આ ચેતવણી બાદ આ વિસ્તારમાં તણાવ વધુ વણસી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.



