AUDAનું 2026-27નું રૂ.3101 કરોડનું બજેટ રજૂ, સાણંદમાં બનશે સેટેલાઈટ ટાઉનશિપ | ahmedabad auda budget 2026 27 presented sanand sp ring road gujarat

![]()
AUDA Budget 2026-27: અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે આજે(6 માર્ચ) રૂ. 3101.73 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઔડાના CEO દેવાંગ દેસાઇએ રજૂ કરેલા આ બજેટમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી વર્ષમાં સંસ્થાને રૂ.3119.83 કરોડની આવક થવાનો અંદાજ છે.
પ્લોટ વેચાણ દ્વારા રૂ. 1300 કરોડની આવકનું લક્ષ્ય
ઔડા પોતાની આવક વધારવા માટે હસ્તગત કરેલા 50થી વધુ પ્લોટોનું વેચાણ કરશે, જેનાથી રૂ. 1300 કરોડ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત, દુકાનોના વેચાણમાંથી રૂ. 5 કરોડ અને એફોર્ડેબલ હાઉસિંગના હપ્તા પેટે રૂ. 15.36 કરોડની આવક ગણતા કુલ રૂ. 1320.36 કરોડની આવક થવાની શક્યતા છે. જોકે, ગત વર્ષે 800 કરોડના લક્ષ્ય સામે માત્ર 450 કરોડની જ આવક થઈ હતી.
સાણંદ બનશે સેટેલાઈટ ટાઉનશિપ: સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્માર્ટ સુવિધાઓ
રાજ્ય સરકારના સાણંદને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાના નિર્ણયને બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. સાણંદમાં PPP ધોરણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. ટી.પી. સ્કીમ અંતર્ગત સાણંદમાં રોડ નેટવર્ક, સ્ટ્રીટ ડેવલોપમેન્ટ, ગાર્ડન, તળાવોનું બ્યુટીફિકેશન, લાયબ્રેરી અને સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મણિપુર અને ગોધાવીમાં ‘મોડલ ટીપી સ્કીમ’
ઔડા દ્વારા ટીપી 42 (મણિપુર-ગોધાવી) વિસ્તારમાં મોડલ ટીપી સ્કીમ સાકાર કરવામાં આવશે. આ વિસ્તારના વિકાસ માટે રૂ. 275 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં સાયકલ ટ્રેક, ફૂટપાથ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ, જંકશન ડેવલોપમેન્ટ, યુટીલીટી ડક અને તળાવ ડેવલોપમેન્ટ જેવા આધુનિક કામો હાથ ધરાશે.
5 ગ્રોથ સેન્ટરોમાં રૂ. 600 કરોડના ખર્ચે નવા રોડ
ઔડા હસ્તકના મુખ્ય પાંચ ગ્રોથ સેન્ટરો— કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ અને બારેજામાં નવા ટીપી રોડ બનાવવા માટે રૂ. 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, હાલના રોડની જાળવણી અને નિભાવણી માટે અલગથી રૂ. 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ડ્રેનેજ, STP અને કેનાલ પર બ્રિજનું આયોજન
ઔડા વિસ્તારમાં પાણી અને ગટર વ્યવસ્થા માટે મોટી રકમ ફાળવાઈ છે:
• ખોડીયાર, લીલાપુર, જાસપુર, અસલાલી, જેતલપુર અને બારેજડી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અને STP માટે રૂ. 350 કરોડ.
• કલોલ વિસ્તારમાં વરસાદી પાણીના નેટવર્ક માટે રૂ. 100 કરોડ.
• સાણંદ અને કલાણા વિસ્તારમાં ડ્રેનેજ અને કેનાલ પર માઇનોર બ્રિજ બનાવવા માટે રૂ. 150 કરોડ.
આવાસ યોજના અને તળાવોનું સૌંદર્યીકરણ
રહેઠાણની સુવિધા માટે ખોડીયાર ખાતે LIG-2 પ્રકારના 278 નવા આવાસો બનાવવામાં આવશે. સાણંદમાં EWS આવાસના કામો પૂર્ણ કરવા રૂ. 45 કરોડ ફાળવાયા છે. તદુપરાંત, ખોડીયાર, લપકામણ, બોરીસા, તાજપુર અને લીલાપુરના તળાવોનું રિડેવલોપમેન્ટ કરવામાં આવશે, જ્યારે ગઢીયા અને જેતલપુર તળાવની કામગીરી પૂર્ણ કરાશે.
પાર્કિંગ સુવિધા અને જમીન ફાળવણી
જાહેર જનતાની સુવિધા માટે વિવિધ પ્લોટ અને બ્રિજ નીચે ‘પે એન્ડ પાર્ક’ મોડલ હેઠળ પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. સાથોસાથ, બારેજા વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે બારેજા નગરપાલિકાને જરૂરી જમીન ફાળવવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


