Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં | Safe Haven Investments 2026: Gold vs Dollar as Middle East Tensions Rise and Global Markets Shift

![]()
US-Israeli War With Iran : મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધને કારણે રોકાણકારોમાં ફરી ચિંતા વધી છે. આ પરિસ્થિતિમાં લોકો વિચાર કરે છે કે પોતાના પૈસા ક્યાં રોકવા વધુ સુરક્ષિત રહેશે. સામાન્ય રીતે ડૉલર, બોન્ડ્સ અને સોનું સુરક્ષિત વિકલ્પ ગણાય છે, પરંતુ આ વખતે ત્રણેયની સ્થિતિ થોડી જુદી છે. શું છે તેના કારણો એ વિશે સરળ ભાષામાં સમજીએ.
ડૉલરની સ્થિતિ આ વખતે મજબૂત
આ સપ્તાહે યુ.એસ. ડૉલરની સ્થિતિ સારી દેખાઈ રહી છે. ડૉલર ઇન્ડેક્સ (DXY) લગભગ 1.5% વધ્યો છે. આ ઇન્ડેક્સ છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડૉલરની મજબૂતાઈ નક્કી કરે છે. આ વખતેસ્વિસ ફ્રેંક અને જાપાની યેન સામે પણ અમેરિકન ડૉલર મજબૂત છે, પરંતુ સામાન્ય રીતે વૈશ્વિક તણાવના સમયમાં આ બંને ચલણ ડૉલર સામે વધુ મજબૂત હોય છે.
ગયા વર્ષે એપ્રિલમાં ટેરિફના કારણે શેર બજારમાં ઘટાડો થયો ત્યારે ડૉલર નબળો પડ્યો હતો. જો કે, આ વખતે તે સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. ખાસ કરીને ટૂંકા ગાળાની ડૉલર રોકડની માંગ વધી છે. અમેરિકા હવે ઊર્જાનો નિકાસકાર દેશ છે, તેથી ઓઈલના ભાવ $80 પ્રતિ બેરલથી ઉપર જાય, તો ડૉલરને ફાયદો થાય છે.
મોર્ગન સ્ટેનલીના ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જેમ્સ લોર્ડ કહે છે કે ડૉલરમાં સુરક્ષિત રોકાણની કેટલીક ખાસિયતો છે, પરંતુ તે સ્થિતિ પર નિર્ભર રહે છે. અમેરિકાની નીતિઓમાં અનિશ્ચિતતા હોવાના કારણે ડૉલર ક્યારેક નબળો પણ પડી શકે છે.
આ પણ વાંચો : ગલ્ફ દેશોએ ઓઇલ-ગેસની નિકાસ બંધ કરવી પડશે! યુદ્ધ વચ્ચે કતારની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ
સરકારી બોન્ડ્સમાં આ વખતે આકર્ષણ ઓછું
- સામાન્ય રીતે ભૂરાજકીય (જિયોપોલિટિકલ) તણાવ વખતે સરકારી બોન્ડ્સ સુરક્ષિત ગણાય છે. ખાસ કરીને જર્મન બોન્ડ્સ અને યુ.એસ. ટ્રેઝરી, પરંતુ આ વખતે રોકાણકારો તેમને સુરક્ષા કરતાં ફુગાવાના દૃષ્ટિકોણથી વધુ જોઈ રહ્યા છે.
- જર્મનીએ દેવાના નિયમોમાં છૂટછાટ આપી છે અને વધુ ઉધાર લેવાની શક્યતા છે. તેના કારણે જર્મન 10 વર્ષના બોન્ડ્સની ઉપજ આ અઠવાડિયે 14 બેસિસ પોઇન્ટ વધી છે.
- રથબોન્સના એક્સપર્ટ બ્રાયન જોન્સ કહે છે કે, જર્મની હજી પણ સારી ગુણવત્તાનું રોકાણ છે. પરંતુ જો દેવું ઝડપથી વધશે તો લાંબા ગાળે તેમાં રોકાણ કરવું જોખમી બની શકે છે.
સોનું હજુ પણ રોકાણનો મજબૂત વિકલ્પ
સોનું લાંબા સમયથી સૌથી વિશ્વસનીય સુરક્ષિત રોકાણ મનાય છે. છેલ્લા દાયકામાં સોનાનો ભાવ લગભગ 240% વધ્યો છે. હા, તેમાં ઉતાર-ચઢાવ રહે છે. મંગળવારે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો કારણ કે, રોકાણકારોએ અન્ય નુકસાન ભરવા માટે સોનું વેચ્યું હતું. આમ છતાં ફુગાવો, ભૂરાજકીય તણાવ અને વધતા દેવાના કારણે સોનાની માંગ યથાવત્ છે. માર્ચ 2026માં સોનાનો ભાવ લગભગ $5,100થી $5,200 પ્રતિ ઔંસ વચ્ચે છે.
સ્ટેટ સ્ટ્રીટના વિશ્લેષણ મુજબ વૈશ્વિક ફંડોમાં સોનામાં રોકાણ હજુ ઓછું છે. હાલ તે 1%થી પણ ઓછું છે, જ્યારે આદર્શ રીતે 5–10% હોવું જોઈએ.
નિષ્ણાતોના મતે, આ વર્ષે સોનાનો ભાવ $6,000 સુધી જવાની શક્યતા વધુ છે, જ્યારે $4,000 સુધી ઘટવાની શક્યતા ઓછી છે. મધ્ય-પૂર્વના તણાવને કારણે સોનું હજુ પણ સુરક્ષિત મનાય છે.
ક્લાસિક ગણાતા ફ્રેંક અને યેન નબળા પડ્યા
સ્વિસ ફ્રેંક અને જાપાની યેન લાંબા સમયથી સુરક્ષિત ચલણ ગણાય છે. પરંતુ આ સપ્તાહે બંને નબળા પડ્યા છે. સ્વિસ ફ્રેંક લગભગ 1.2% ઘટ્યો, જ્યારે જાપાની યેન લગભગ 0.8% નીચે ગયો. યેનની કિંમત આકર્ષક લાગે છે, પરંતુ જાપાનના વડાપ્રધાન વ્યાજ દર વધારવાના વિરોધમાં છે. જાપાનમાં રાજકીય અનિશ્ચિતતા વધી છે એટલે તે નબળો પડ્યો છે. સ્વિસ નેશનલ બેંક પણ ફ્રેંક ખૂબ મજબૂત ન બને તે માટે હસ્તક્ષેપ કરી શકે છે. ગોલ્ડમેન શાક્સના નિષ્ણાતો કહે છે કે, જો એવું થાય તો ફ્રેંકની સુરક્ષિત છબી થોડી નબળી પડી શકે છે.
બીજી તરફ, ઓઈલ પોલિટિક્સમાં અમેરિકાની મજબૂત સ્થિતિના કારણે અમેરિકન ડૉલર મજબૂત તો થયો જ છે. આ કારણસર પણ તેની સામે ફ્રેંક અને યેન નબળા પડ્યા છે.
ડિફેન્સિવ સ્ટોક્સમાં પણ આ વખતે લાભ નથી
સામાન્ય રીતે વિશ્વમાં યુદ્ધના કારણે અસ્થિરતા સર્જાઈ હોય, ત્યારે રોકાણકારો યુટિલિટીઝ (વીજળી, ગેસ વગેરે) અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ (રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ) જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે કારણ કે, આ કંપનીઓના શેરના ભાવ ખાસ ઘટતા નથી. જો કે, આ વખતે સ્થિતિ અલગ છે. જેમ કે, આ વખતે બજાર સ્થિર હોવા છતાં આ ‘સુરક્ષિત’ ગણાતા શેરોમાં 1% થી 2.8%નો ઘટાડો થયો છે. આ શેરો અગાઉથી જ ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યા હતા, તેથી તેમની કિંમતો ઘણી વધી ગઈ હતી.
બીજી તરફ, હાલ ઊંચા વ્યાજ દરના કારણે આ શેરો હવે મોંઘા લાગી રહ્યા છે. રોકાણકારોને લાગે છે કે આટલી ઊંચી કિંમતે આ શેરો ખરીદવા હવે ફાયદાકારક નથી. ટેમ્પલટનના ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જેમ્સ બ્રિસ્ટોના મતે, હવે માત્ર ડિફેન્સિવ સ્ટોક્સમાં રોકાણ કરી દેવાના બદલે, તેના શેરનું વર્તમાન મૂલ્ય કેટલું વાજબી છે, તે જોવું ખૂબ જ જરૂરી છે.
ટૂંકમાં હાલ ડૉલર મજબૂત દેખાય છે. સોનું લાંબા ગાળે વિશ્વસનીય મનાય છે, જ્યારે બોન્ડ્સ અને અન્ય પરંપરાગત વિકલ્પો ઓછા આકર્ષક લાગી રહ્યા છે. પરંતુ એક જ વિકલ્પને સૌથી સુરક્ષિત કહી શકાય નહીં. યોગ્ય રોકાણ તમારા જોખમ સહનશક્તિ અને સમયગાળાને આધારે નક્કી થાય છે. તેથી પૈસા અલગ અલગ જગ્યાએ રોકવા, એટલે કે વિવિધતા રાખવી અને તેમાં જ સમજદારી છે.
Disclaimer: This article is for general information only and does not constitute financial advice. Investment involves risks; therefore, please consult an expert before investing. We accept no liability for any losses resulting from decisions based on this content.
આ પણ વાંચો : યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન! ફળ-શાકભાજી ભરેલા 1000થી વધુ કન્ટેનર દુબઈમાં ફસાયા!



