જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘાત | A young student living in Dared near Jamnagar committed suicide

![]()
Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. પોતાના માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા અને અભ્યાસ કરતા કનૈયા હેમરાજભાઈ ગેડા નામના 20 વર્ષના વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં નીચે ઉતારીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વનરાજ હેમરાજભાઈ ગેડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે, અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને વિદ્યાર્થી યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન મૃતકના મોટાભાઈએ જણાવ્યું હતું કે તેઓના માતા-પિતા વારંવાર ઝઘડો કરતા હોવાથી પુત્રને પસંદ નહીં પડતાં મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસો ખાઈ લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જણાવ્યું છે.


