યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત, અમેરિકાએ રશિયન ઓઈલ ખરીદવા આપી 30 દિવસની વિશેષ છૂટ | US Grants 30 Day Waiver to India for Buying Russian Oil Amid Iran War

![]()
Russia Oil and USA Permission To India : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઓઈલ બજારમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાએ એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા રશિયાને ભારતને ઓઈલ વેચવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી છે. આ નિર્ણયથી છેલ્લા કેટલાય સમયથી સમુદ્રમાં અટવાયેલા રશિયન ઓઈલના ટેન્કરો માટે ભારતનો રસ્તો સાફ થઈ ગયો છે.
અમેરિકાનો વ્યૂહાત્મક નિર્ણય
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ પર મોટું દબાણ સર્જાયું છે. આ દબાણને ઓછું કરવા માટે વૉશિંગ્ટને રશિયા પરના પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી છે. અમેરિકી વહીવટીતંત્રે ભારતને રશિયન ઓઈલના શિપમેન્ટ સ્વીકારવા માટે 30 દિવસની ‘ટેમ્પરરી ડિસ્પેન્સેશન’ (અસ્થાયી છૂટ) મંજૂર કરી છે.
સમુદ્રમાં અટવાયેલા જહાજોને મળશે રસ્તો
અગાઉ અમેરિકન પ્રતિબંધો અને વીમા-ચુકવણીની અનિશ્ચિતતાને કારણે રશિયાના અનેક ઓઈલ ટેન્કરો ભારતના કિનારા પાસે સમુદ્રમાં લંગરાયેલા હતા. ભારતીય રિફાઇનરીઓ પણ નિયમોના ઉલ્લંઘનના ડરથી આ ઓઈલ ઉતારતા અચકાતી હતી. હવે આ નવી છૂટને કારણે સમુદ્રમાં ભટકી રહેલા રશિયન ઓઈલને ભારતીય બંદરો પર ઉતારી શકાશે.
ભારતીય ઓઈલ કંપનીઓ સક્રિય થઈ
અમેરિકાની આ જાહેરાત બાદ ભારતની સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને MRPL એ રશિયન ક્રૂડ ઓઈલની ડિલિવરી લેવા માટે વેપારીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અહેવાલો મુજબ, ભારતીય રિફાઇનરીઓએ વેપારીઓ પાસેથી અંદાજે 20 મિલિયન બેરલ રશિયન ઓઈલ પહેલેથી જ ખરીદેલું છે, જે હવે ભારત પહોંચશે.
ભારતનું મક્કમ વલણ
યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ન ખરીદવા માટે ભારત પર દબાણ કર્યું હતું, પરંતુ ભારતે હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિઓ છતાં ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. હવે ઈરાન સંકટ સમયે અમેરિકાએ પોતે જ આ છૂટ આપવી પડી છે જેથી વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં ભડકો ન થાય.



