વડતાલધામમાં સેવા, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ: RSS વડા મોહન ભાગવતે લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ લીધા | RSS Chief Mohan Bhagwat Visits Vadtal Dham Swaminarayan Temple

Vadtal Dham : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે બુધવારે એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષના પાવન અવસરે સંઘના વડા ડૉ. મોહન ભાગવતે વડતાલધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સનાતન ધર્મના જતનના સંકલ્પો દોહરાવવામાં આવ્યા હતા.
સનાતન ધર્મના ભવ્ય સંગ્રહાલયનું પૂજન
અમદાવાદથી વડતાલ પહોંચેલા મોહન ભાગવતજીએ સૌ પ્રથમ ગોમતીજીના કિનારે નિર્માણ પામી રહેલા ભારતના સૌથી મોટા સનાતન ધર્મ સંગ્રહાલય ‘અક્ષર ભુવન’ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પૂજ્ય સંતો અને ઋષિકુમારોના વેદ મંત્રોચ્ચાર વચ્ચે સંગ્રહાલયના વિશાળ મંડોવરની ગજેન્દ્ર પિઠિકાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ સંસ્થાનના ચેરમેન ડૉ. સંત સ્વામી સહિત ગઢડા અને જૂનાગઢ મંદિરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલના હરિ મંડપમાં સ્પંદનોની અનુભૂતિ
ત્યારબાદ તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત ભવ્ય દેવાલયમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શને પહોંચ્યા હતા. મંદિરે પહોંચતા જ આસામ, મણિપુર અને ત્રિપુરાના આદિવાસી બાળકોએ રાધિકાષ્ટકમ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોહન ભાગવતજીએ ખાસ એ પવિત્ર ‘શ્રી હરિ મંડપ’ ના દર્શન કર્યા હતા જ્યાં બેસીને ભગવાન સ્વામિનારાયણે વિશ્વવંદનીય ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની રચના કરી હતી.
“કરનાર ઈશ્વર છે, અમે તો માત્ર લાકડી અડાડી રહ્યા છીએ”
દ્વિશતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓ અને હરિભક્તોને સંબોધતા મોહન ભાગવતજીએ નમ્રતા સાથે જણાવ્યું કે, “સંઘ જે પણ કાર્ય કરી રહ્યો છે તેનો વાસ્તવિક કર્તા ઈશ્વર છે. જેમ ભગવાને ગોવર્ધન ઉઠાવ્યો હતો અને ગોવાળોએ માત્ર લાકડી અડાડી હતી, તેમ અમે પણ માત્ર નિમિત્ત છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન ધર્મને ધબકતો રાખવામાં સંતોનો સિંહફાળો છે. ભારતનું શાસ્ત્રજ્ઞાન જ ભવિષ્યમાં દુનિયાને વિનાશથી બચાવશે. જો સમાજ શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરે તો સકારાત્મક પરિવર્તન નિશ્ચિત છે.

આ કાર્યક્રમમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા અને આગામી ડિસેમ્બરમાં ધોલેરા ખાતે યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું હતું. કાર્યક્રમમાં પૂ. નૌતમ સ્વામી, પૂ. દેવસ્વામી (કોઠારી), SGVP ના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી સહિત સાળંગપુર, ગઢડા અને જૂનાગઢ ધામના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્યામવલ્લભ સ્વામી અને યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.



