કેનેડામાં ફેમસ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા, ખલિસ્તાનીઓ પર શંકાની સોય | nancy grewal murder canada khalistan critic punjabi youtuber killed

![]()
Nancy Grewal Killed in Canada : કેનેડાના લા સેલ (LaSalle) વિસ્તારમાં પંજાબી મૂળની પ્રખ્યાત યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી દેવાઇ છે. નેન્સી ગ્રેવાલ કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ખાલિસ્તાની તત્વોની કટ્ટર ટીકાકાર તરીકે જાણીતા હતા. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ તેમને ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા. જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હત્યા પાછળ ખાલિસ્તાની કનેક્શનની શંકા?
નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર પોતાની નીડર અને તીખી ટિપ્પણીઓ માટે જાણીતા હતા. ખાસ કરીને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ દરમિયાન તેમણે ખાલિસ્તાનીઓ અને જસ્ટિન ટ્રુડોની નીતિઓની ખુલ્લેઆમ નિંદા કરી હતી. તેઓ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ વિરુદ્ધ પણ અવાજ ઉઠાવતા હતા. તેમની આ મુખરતાને કારણે તેમની હત્યા પાછળ ખાલિસ્તાની તત્વોનો હાથ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું બની હતી ઘટના?
કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે અંદાજે 9:30 વાગ્યે નેન્સી ગ્રેવાલ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે નેન્સીના ઘરની આસપાસના વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
હરિયાણાના સિરસા સાથે હતું કનેક્શન
નેન્સી ગ્રેવાલનો ઉછેર હરિયાણાના સિરસામાં થયો હતો. સિરસાની સતલુજ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ તેઓ કેનેડામાં સ્થાયી થયા હતા. કેનેડામાં ખાલિસ્તાનનો વિરોધ કરનારા લોકો માટે તેઓ એક મજબૂત અવાજ બની ગયા હતા. વારંવાર મળતી ધમકીઓ છતાં તેઓ ક્યારેય ઝૂક્યા નહોતા.
કેનેડાની સુરક્ષા પર સવાલ
લા સેલ વિસ્તારમાં બે અઠવાડિયામાં આ બીજી હત્યાની ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. કેનેડામાં લાંબા સમયથી સક્રિય ખાલિસ્તાની તત્વોને કારણે ભારત સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી હતી. જોકે, જસ્ટિન ટ્રુડોની સત્તા ગયા બાદ નવી સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. હાલમાં પોલીસે કોઈની ધરપકડ કરી નથી, પરંતુ તપાસ તેજ કરી દેવામાં આવી છે.



