યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકાની ટ્રેડ કોર્ટે ટૅરિફ રિફંડ કરવાનો આદેશ આપ્યો | us trade court orders tariff refund trump administration blow india impact

![]()
US Trade Court Orders Trump Refunds Tariff : ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ પર અમેરિકી ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. યુએસ કોર્ટ ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડે બુધવારે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને આદેશ આપ્યો છે કે, જે કંપનીઓએ IEEPA કાયદા હેઠળ ટૅરિફ ચૂકવ્યા છે, તેમને તે રકમ પરત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ આ ટૅરિફને રદ કરી દીધા હતા, અને હવે રિફંડનો રસ્તો સાફ થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે ટૅરિફને કેમ ગણાવ્યા ગેરકાયદે?
ગયા ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ચુકાદામાં ટ્રમ્પના આ ઈમરજન્સી ટૅરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, IEEPA (International Emergency Economic Powers Act) કાયદો રાષ્ટ્રપતિને આ પ્રકારે મનસ્વી રીતે ટૅરિફ લાદવાની શક્તિ આપતો નથી. ટ્રમ્પે ગયા વર્ષે એપ્રિલમાં મેક્સિકો, કેનેડા અને ચીન સહિતના દેશો પર 10%થી 50% સુધીના ટૅરિફ લાદ્યા હતા, જેનાથી સરકારી તિજોરીમાં આશરે 130 અબજ ડૉલર જમા થયા હતા.
રિફંડ પ્રક્રિયા અને ટ્રમ્પની મુશ્કેલી
જજ રિચર્ડ ઈટને જણાવ્યું હતું કે, જે તમામ કંપનીઓએ આ ડ્યુટી ભરી છે તેઓ હાઇકોર્ટના ચુકાદાનો લાભ મેળવવા માટે હકદાર છે. અંદાજે 175 અબજ ડૉલર સુધીના રિફંડના દાવાઓ સરકાર સામે આવી શકે છે. FedEx જેવી મોટી કંપનીઓથી લઈને નાના બિઝનેસના ગઠબંધન ‘We Pay the Tariffs’ એ આને મોટી જીત ગણાવી છે.
ભારત પર તેની શું અસર થશે?
ભારત માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ આપનારા છે. ભારત પર પહેલા 25% ‘લિબરેશન ડે’ ટૅરિફ અને રશિયન તેલની ખરીદીને કારણે વધારાના 25% મળી કુલ 50% ટેક્સ લાદવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં ટ્રમ્પ મક્કમ છે. તેમણે દાવો કર્યો છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં કંઈ જ બદલાશે નહીં અને ભારતે જ ચૂકવણી કરવી પડશે.
નવી લેવી(ટેક્સ)
ટ્રમ્પે હવે 15%ની નવી ગ્લોબલ લેવી(ટેક્સ) લાદવાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલા ટ્રેડ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ મુજબ આ ટૅરિફ ઘટાડીને 18% કરવાની વાત હતી, પરંતુ હવે નવી નીતિઓથી અનિશ્ચિતતા વધી છે.
શું હવે ફરી નવા ટૅરિફ લાગશે?
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે, આ અઠવાડિયે ગ્લોબલ ટૅરિફ 10%થી વધારીને 15% કરવામાં આવી શકે છે. જે સુપ્રીમ કોર્ટે રદ કરેલા ટૅરિફની જગ્યા લેશે. આગામી 150 દિવસોમાં વિવિધ કાયદાઓ હેઠળ અભ્યાસ કરીને ટૅરિફ ફરી જૂના સ્તરે લાવવાની યોજના છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક એજન્ડા એવા ‘ટૅરિફ’ પર કોર્ટના આ પ્રહારોથી અમેરિકાની આયાત-નિકાસ નીતિમાં મોટો વળાંક આવી શકે છે.


