ઈરાનની મુશ્કેલી વધી… ઈઝરાયલ-અમેરિકાની સાથે મોટા દેશે મિડલ ઈસ્ટમાં પરમાણુ યુદ્ધ જહાજ ઉતાર્યું | french president orders nuclear aircraft carrier to mediterranean amid middle east conflict

France Jumped in Middle East War: મધ્ય પૂર્વમાં વકરી રહેલા ભયાનક સંઘર્ષ વચ્ચે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા એક મોટો સૈન્ય નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ફ્રાંસના ગૌરવ સમાન પરમાણુ સંચાલિત વિશાળ સૈન્ય જહાજ ‘ચાર્લ્સ ડી ગૉલ’ને બાલ્ટિક સાગરથી હટાવીને તાત્કાલિક મેડિટેરેનિયન(ભૂમધ્ય સાગર) તરફ રવાના થવાનો આદેશ આપ્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેનો જંગ વધુ વ્યાપક બની રહી છે અને સહયોગી દેશોના હિતો પર જોખમ વધી રહ્યું છે.
અબુ ધાબીમાં રાફેલ જેટ્સ તૈનાત અને હાઈ એલર્ટ
ફ્રાંસના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, અબુ ધાબી પાસે આવેલા અલ-ધફરા એર બેઝ પર તૈનાત રાફેલ ફાઈટર જેટ્સને હવે સક્રિય કરી દેવામાં આવ્યા છે. આ જેટ્સ ફ્રાંસના સૈન્ય મથકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે, ખાસ કરીને ઈરાની ડ્રોન્સ અને મિસાઈલ હુમલાઓ સામે વળતો જવાબ આપવા માટે તેઓ ચોવીસ કલાક તૈયાર છે. રવિવારે યુએઈમાં ફ્રાંસના એક બેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ આ સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરવામાં આવી છે.
વ્યૂહનીતિ: સાયપ્રસ અને દરિયાઈ માર્ગોની સુરક્ષા
સાયપ્રસ પર થયેલા હુમલા બાદ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ વધારાના એર-ડિફેન્સ એસેટ્સ અને ફ્રિગેટ ‘લેન્ગ્વેડોક’ સાયપ્રસના તટ પર મોકલવાનો નિર્ણય લીધો છે. ફ્રાંસની આ સૈન્ય વ્યૂહનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ફેલાયેલા પોતાના હિતોની રક્ષા કરવાનો છે. મેક્રોને ચિંતા વ્યક્ત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સીના માર્ગો બંધ થવાથી તેલ-ગેસની કિંમતો વધી રહી છે અને વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો: ‘… તો ડિમોના પરમાણુ સાઈટ પર હુમલો કરીશું’, ઈઝરાયલ-અમેરિકાને ઈરાનની મોટી ધમકી
આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સ્થિતિ ગંભીર
શનિવારે અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાની સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના સમાચાર બાદ ઈરાને વળતા પ્રહાર તેજ કર્યા છે. ઈરાન હવે ગલ્ફ દેશોમાં આવેલા પશ્ચિમી મથકોને નિશાન બનાવી રહ્યું છે. આ સંજોગોમાં ફ્રાંસની પરમાણુ શક્તિ ધરાવતા યુદ્ધજહાજની તૈનાતી સૂચવે છે કે યુરોપીય દેશો હવે આ જંગમાં સીધા સામેલ થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં મહાવિનાશની આશંકાઓને વધુ પ્રબળ બનાવે છે.



