સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahmedabad News Noblenagar Turning woman beaten holi gangster attack

![]()
Ahmedabad News: અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે ગઈકાલે 3 માર્ચે રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ભયાનક ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જઈ રહેલા એક યુવકને રસ્તામાં જ આંતરીને ચાર અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. મહિલાઓ બૂમો પાડતી વચ્ચે બચાવવા પડી હતી, તેમ છતાં હુમલાખોરોએ નિર્દયતાથી યુવકને એક બાદ એક લાડકીના ફટકા માર્યા હતા.
બચાવવા પડેલી મહિલા પર પણ લાકડીઓ વરસાવી
આ હુમલા દરમિયાન યુવકને બચાવવા વચ્ચે પડેલી મહિલાઓ પર પણ હુમલાખોરોએ સહેજ પણ દયા દાખવી નહોતી. નિર્દયી ગુંડાઓએ મહિલા પર લાકડીઓનો એવો વરસાદ વરસાવ્યો કે તેના હાથ સૂજી ગયા હતા અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ મથકો વચ્ચે ‘હદ વિવાદ’
આ ઘટનાની જાણ થતા જ સરદારનગર અને એરપોર્ટ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાગ્રસ્ત પીડિતોને મદદ કરવાને બદલે બંને પોલીસ મથકો વચ્ચે ‘હદ વિવાદ’ સર્જાયો હતો. એકતરફ પીડિત પરિવાર ન્યાય માટે આક્રંદ કરી રહ્યો હતો અને બીજી તરફ પોલીસ હદ નક્કી કરવામાં સમય વેડફી રહી હતી, જેના કારણે હોળીના તહેવાર ટાણે જ પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી
અમદાવાદમાં સતત કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ
ઇજાગ્રસ્ત મહિલા અને તેના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે ન્યાય માટે પોલીસ ચોકીએ જ જઈશું, ભલે ત્યાં અમારું મોત થાય. અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ન તેમણે કાયદાનો ડર રહ્યો છે ન તો પોલીસનો, પોલીસ ફક્ત પેટ્રોલિંગના નામ સરકારી પૈસાનો ઘુમાડો કરી રહી છે. અનેક એવી ઘટનાઓ છે જેમાં પોલીસની ઢીલી નીતિને કારણે ગુંડા તત્વોને છૂટોદોર મળી રહ્યો છે.



