સરણાકુઈની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું, એકને ઈજા | A young man died one was injured after being hit by an unknown vehicle

![]()
– આણંદ જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ
– ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો : અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
આણંદ : બોરસદ તાલુકાના ભાદરણ ગામની સીમમાં આવેલા સરણાકૂઈ તરફ જવાના રોડ ઉપર ગતરોજ પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહને એક બાઈકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બાઈક ઉપર સવાર અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ભાદરણ ગામે રહેતા ૧૯ વર્ષીય કુલદીપ ભીખાભાઈ ચૌહાણના મિત્ર અશ્વિન સોલંકીના પુત્રનો ધામક પ્રસંગ હોવાથી સોમવારે રાત્રિના સુમારે જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો. કુલદીપ ચૌહાણ પોતાના મિત્ર સચિન ગિરીશભાઈ પઢીયાર સાથે બાઈક ઉપર સવાર થઈને શરણાકૂઈ સીમમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. રાત્રિના સુમારે સરણાકુઈ સીમમાંથી તેઓનું બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા બંને યુવકો રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં બંનેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે બોરસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે કુલદીપ ચૌહાણને તપાસીને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે ભીખાભાઈ ચૌહાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



