दुनिया

કરોડો ડોલરનો ફટકો ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરતા 700 ટેન્કર ફસાયા | Iran closes Strait of Hormuz 700 tankers stranded deal multi million dollar blow



– અનેક દેશો પર ઇંધણ પૂરવઠો ઠપ થવાનું જોખમ

– દૈનિક બે કરોડ બેરલની સામે માત્ર 28 લાખ બેરલ જ પસાર થઇ શક્યા, ભારતની 37 શિપ સાથે 1100થી વધુ નાવિકો પણ અટવાયા

– હોર્મુઝ ખાડીનો 86 ટકા ક્રૂડ વેપાર ટ્રાફિક જામ થઇ ગયો, યુદ્ધ લાંબુ ચાલ્યું તો સ્થિતિ કફોડી બનવાની ભીતિ

નવી દિલ્હી : અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું, જે બાદથી ઇરાને હોર્મુઝની ખાડીને બંધ કરી દીધી છે. જેને પગલે આ વિસ્તારમાં ૭૦૦ ટેન્કરો ફસાયેલા છે. ઇસ્ટ-વેસ્ટનો ૮૬ ટકા ક્રૂડ ટ્રાફિક થંભી ગયો છે, એટલુ જ નહીં અનેક દેશોમાં ઇંધણ માર્કેટ મુશ્કેલીમાં મુકાયા છે. ૧ માર્ચના રોજ ૨૮ લાખ બેરલ લઇ જનારા માત્ર ત્રણ જ ટેન્કરો હોર્મુઝ પાર કરી શક્યા હતા. જ્યારે સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં દૈનિક ૧.૯૮ કરોડ બેરલ ટ્રાન્સપોર્ટ કરાય છે.  

બે માર્ચના રોજ શરૂઆતમાં માત્ર એક નાનુ ટેન્કર અને એક કાર્ગો શિપ મુખ્ય લેનમાંથી પસાર થયા હતા. જ્યારે અન્ય ૭૦૦થી વધુ ટેન્કરો આ ખાડીમાં ફસાયા છે. ૭૦૬ બિન ઇરાની ટેન્કરો ખાડીની બન્ને તરફ ખડકાયેલા પડયા છે. જેમાં ૩૩૪ ક્રૂડ કેરિયર, ૧૦૯ ડર્ટી પ્રોડક્ટ કેરિયર, ૨૬૩ ક્લીન પ્રોડક્ટ વેસલ સામેલ છે. ૨૬ ટેન્કરો કોઇ જ સ્પષ્ટ ડેસ્ટિનેશન વગર ખાડીમાં વહી રહ્યા છે. જ્યારે ઓમાનની ખાડીમાં અનેક ટેન્કરો બેકાર પડયા છે. જો લાંબા સમય સુધી આ ટેન્કરો અહીંયા ફસાયેલા રહ્યા તો ટેન્કરોની સંખ્યા અનેકગણી વધી શકે છે. અને ડિલિવરીનો સમય ખોરવાઇ જશે. હાલમાં ટ્રાન્સફોર્ટેશન સાથે સંકળાયેલા જહાજોનું ભાડુ પણ વધી રહ્યું છે. જેની અસર વિશ્વભરના ઇંધણના ભાવો પર પડી શકે છે. 

એશિયા અને યુરોપની રિફાઇનર કંપનીઓ હાલ અમેરિકા, ગલ્ફ, વેસ્ટ આફ્રિકા, બ્રાઝીલ અને રશિયા પાસેથી ઇંધણ મેળવવા પ્રયાસો કરવા લાગી છે. ગલ્ફ ક્રૂડ પર નિર્ભર ચીન અને ભારતને પણ હાલ મોટો ખતરો છે. દિલ્હીમાં ટોચના અધિકારીઓ વૈકલ્પીક વ્યવસ્થા પર વિચાર કરવા લાગ્યા છે. એવા અહેવાલો પણ છે કે હોર્મુઝથી પસાર થનારા પર્શિયલ ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતની ૩૭ શિપ ફસાયેલી છે જેમાં કુલ ૧૧૦૯થી વધુ સેઇલર્સ કે સ્ટાફ અથવા નાવિકો  સામેલ છે. ઇરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને પગલે તાજેતરમાં જ વિદેશી શિપમાં સવાર ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા.  

બીજી તરફ ઇન્ડિયન નેશનલ શિપઓનર્સ એસોસિએશને દાવો કર્યો છે કે જે પણ ભારતીય જહાજો હોર્મુઝ ઘાડીમાં ફસાયેલા છે તેને કારણે ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ જોખમમાં મુકાઇ છે. ભારત માટે આ ખાડી અત્યંત મહત્વની માનવામાં આવે છે કેમ કે ૪૦ ટકા ઓઇલ અને ૫૦ ટકા એલએનજી (નેચરલ ગેસ) આ ખાડીના રસ્તેથી જ ભારત આવે છે. નોંધનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ઘાડી ઇરાન નજીકથી પસાર થતો સૌથી સાંકળો સમુદ્રી વેપારનો રસ્તો છે. આ રસ્તેથી ઇરાન ઉપરાંત આસપાસના ખાડી દેશો જેમ કે યુએઇ, ઓમાન, કતાર, સાઉદી અરબ, કુવૈત, ઇરાક વગેરેનો ક્રૂડ ઓઇલ, ગેસનો વેપાર થાય છે. જેનું નાકુ ઇરાન તરફ છે જેને ઇરાને હાલ બંધ કરી દીધુ છે જેથી આ તમામ દેશોનો વિશ્વમાં થતો સપ્લાય પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.



Source link

Related Articles

Back to top button