કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ તકલીફ | vadodara news rakshit chaurasia hit and run case suffering of the victims families

![]()
Vadodara News: વડોદરાના કારેલીબાગ આશુતોષ ચાર રસ્તે, એક વર્ષ અગાઉ હોળીની રાત્રે પૂર ઝડપે કાર હંકારી નશામાં ધૂત રક્ષિતે સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું, 7 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોમાંથી બે ભાઈ-બહેન આજે એક વર્ષ બાદ પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતા નથી. એક વર્ષ પૂર્વેની આ ઘટનામાં ગઈકાલે સોમવારે હોલિકા દહનની રાત્રે સ્થાનિકોએ કેન્ડલ સાથે દેખાવો કર્યા હતા.
વારંવાર ઇન્ફેક્શન, ઠીકથી ચાલી પણ શકતા નથી!
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વૈભવી કારચાલક રક્ષિત ચોરસિયા નશામાં ચૂર થઈને 140 કિમીની ઝડપે સંગમ ચાર રસ્તા તરફથી મુક્તાનંદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આશુતોષ ચાર રસ્તા પાસે એક મહિલા સહિત સાત વ્યક્તિને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ બહેનને ગંભીર ઈજા થતાં બંનેના પગે ઓપરેશનથી ઇમ્પ્લાન્ટ કરાયા હતા. પરંતુ આ બંનેને વારંવાર ઇન્ફેક્શન થવાથી ઈમ્પ્લાન્ટ કાઢી નાખવા પડ્યા હતા. જેથી બંને ભાઈ-બહેન હજુ પણ વ્યવસ્થિત રીતે ચાલી શકતા નથી.
રક્ષિત હાલ બહાર છૂટો ફરી રહ્યો છે!
ત્યારે ગઈકાલે સોમવારે એક વર્ષ પૂર્ણ થતા આશુતોષ સોસાયટીના સ્થાનિક રહીશોએ સમી સાંજે કેન્ડલ પ્રગટાવીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને તંત્ર વિરુદ્ધ શાંત દેખાવો કર્યા હતા.મૃતક હેમાલી પટેલના પતિ પૂરવ પટેલે ભાવુક થઈ કહ્યું હતું કે, વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું એ હું જ જાણું છું, શારીરિક અને માનસિક રીતે આ પડકારોનો સામનો કરી રહ્યો છું, મેં મહત્વનું અંગ મારી પત્ની ગુમાવી છે. જેને ગુનો કર્યો તે રક્ષિત હાલ બહાર છૂટો ફરી રહ્યો છે. ન્યાયપાલિકાને વિનંતી કે ઝડપથી તેના જામીન રદ કરી કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં દાલખો બેસે.
શું હતી ઘટના?
13 માર્ચ, 2025માં હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે રક્ષિતની ધરપકડ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી રક્ષિત 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, 22 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા હતા.
અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી
-હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
-પૂરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
-કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ
-જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
-વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
-નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
-જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
-રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ


