ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after khamenei death protest viral in social media

અમદાવાદ, સોમવાર
અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારના મોતના પગલે માત્ર ઇરાનમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. જેમાં ખામેનેઇ પ્રત્યે સહાનુભુતિ દર્શાવીને ઇરાન સાથે જ નહી ઇસ્લામ સાથે પણ અન્યાય થયાની પોસ્ટ ખુબ મોટા પ્રમાણમાં મુકવામાં આવી રહી છે. ત્યારે કેટલાંક દેશ વિરોધી તત્વો ઇરાન સાથેની લડાઇના મામલે તકનો ગેરલાભ લઇને ગુજરાતમાં કોમી શાંતિ ડહોળવા માટે સક્રિય થઇ હોવાનું સામે આવતા ગુજરાત પોલીસ તેમજ ઇન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે.
ઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારજનોના મોત બાદ ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. સાથેસાથે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ , ફેસબુક, એક્સ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખામેનેઇને શ્રધ્ધાજંલી આપતી પોસ્ટની સાથે કેટલાંક લોકો લધુમતી સાથે અન્યાય થતો હોવાની પોસ્ટ મુકીને ઉશ્કેરણી કરવા સક્રિય થયા છે.
જે બાબતને ગંભીરતાથી લઇને સેન્ટ્લ આઇબી દ્વારા ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટ આપવાની સાથે કેટલીક તકેદારી સુચવી છે. જેમાં સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી પોસ્ટની સાથે તેની સાથે સંકળાયેલા લોકો પર નજર રાખવા માટે સુચના આપી છે.
આ ઉપરાંત, કેટલાંક સોશિયલ મિડીયા એકાઉન્ટના સંચાલકોની પોસ્ટને હટાવવાથી માંડીને જરૂરી કાર્યવાહી કરવા માટે પણ તાકીદ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક લોકોએ વોટ્સએપ અને ટેલીગ્રામ પર વિવિધ ગુ્રપ કે બ્રોડકાસ્ટ મેસેજ તૈયાર કરીને લાખોની સંખ્યામાં મોબાઇલ યુઝર્સને મોકલ્યા છે. આ પૈકી મોટાભાગના મેસેજ કોમી એખલાસને ખંડિત કરી શકે તેવા છે. જેથી પોલીસે સાયબર સેલને ખાસ જવાબદારી સોંપી છે.અમદાવાદ ઉપરાંત, ગુજરાતના અનેક શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાંક શકમંદો પર વોચ રાખવા માટે સ્થાનિક પોલીસને પણ આદેશ અપાયો છે.



