રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nominated rajya sabha bihar election strategy

Nitin Nabin Rajya Sabha Candidate: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને બિહારથી રાજ્યસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યો માટે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. નીતિન નબીન અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમની આ ઉમેદવારી બિહારમાં પક્ષની એક મોટી ચૂંટણી વ્યૂહનીતિનો ભાગ માનવામાં આવી રહી છે.
બિહાર અને આસામની ચૂંટણી વ્યૂહનીતિ
બિહારમાં ખાલી પડતી પાંચ બેઠકો પૈકી ભાજપે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને શિવેશ કુમારને ઉમેદવાર બનાવ્યા છે. નીતિન નબીન પટનાના બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમની ઉમેદવારી બિહારમાં પક્ષની મોટી વ્યૂહનીતિનો ભાગ છે. તેવી જ રીતે આસામની ત્રણ બેઠકો માટે તેરાશ ગોવાલા અને જોગેન મોહનને ટિકિટ આપવામાં આવી છે, જેઓ રાજ્ય સરકારમાં પણ સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે.
અન્ય રાજ્યોમાં સમીકરણો
હરિયાણામાં ભાજપે વહીવટી અનુભવ ધરાવતા સંજય ભાટિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળથી જાણીતા ચહેરા રાહુલ સિંહાને ટિકિટ આપી છે. ઓડિશામાં ભાજપની સરકાર હોવાથી ત્યાં સ્થિતિ અનુકૂળ છે, જ્યાંથી મનમોહન સામલ અને સુજીત કુમાર ચૂંટણી લડશે. છત્તીસગઢની વાત કરીએ તો, મહિલા મોરચામાં સક્રિય એવા લક્ષ્મી વર્માને રાજ્યસભા મોકલવાની તૈયારી કરવામાં આવી છે. આ યાદી સ્પષ્ટ કરે છે કે ભાજપે પ્રાદેશિક સંતુલન અને સામાજિક સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખ્યા છે.



