गुजरात

ધાણી-ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી | Holi Special : small traders get their livelihood as the tradition of eating dhani and gram is alive



Holi Special : હિન્દુ તહેવારની ઉજવણીની સદીઓથી ચાલી આવતી પરંપરાને કારણે નાના વેપારીનું રોટેશન તહેવારોમાં થઈ રહ્યું છે. તહેવારોની માન્યતાને કારણે અનેક નાના વેપારીઓને તહેવાર દરમિયાન રોજીરોટી મળી રહી છે. હાલમાં હોળીના તહેવારને કારણે ધાણી-ચણા ખાવાની પરંપરા હોવાથી સુરતના ફુટપાટથી માંડીને મોલ સુધી ધાણીનું વેચાણ થઈ રહ્યું છે. પહેલા માત્ર સાદી ધાણી મળતી હતી પરંતુ હવે તેમાં પણ અનેક ફ્લેવર જોવા મળે છે અને તેના કારણે અનેક નાના વેપારીઓને રોજગારી મળી રહી છે. 

સુરતીઓ અન્ય તહેવારની જેમ હોળી-ધુળેટીના તહેવારને પણ ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે. સુરતીઓની ધુળેટી હવે પાર્ટી કલ્ચર બની રહી છે પરંતુ હોળીના પરંપરા હજુ પણ યથાવત જોવા મળે છે. જેના કારણે હાથમાં મોબાઈલ હોવા છતાં પણ અન્ય લોકો અને યંગસ્ટર્સ પણ ધાણી–ચણા ખરીદે છે અને હોળીની અગ્નિમાં અર્પણ કરે છે અને પછી પ્રસાદ સ્વરૂપે વહેંચે છે. સુરતીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાના કારણે સુરતના ફુટપાથથી માંડી નાની દુકાનો અને મોલ સુધી ધાણી અને ચણાનું ધૂમ વેચાણ થાય છે જેના કારણે અનેક નાના વેપારીઓ અને સિઝનલ વેપારીઓને ધંધો મળી રહે છે. 

આમ તો હોળીનો તહેવાર નજીક આવે એટલે રંગ-ગુલાલ સાથે ધાણીનું મહત્વ પણ વધી જાય છે. ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળિકા દહન સમયે ધાણી અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. બીજા દિવસે એ જ ધાણી પ્રસાદ રૂપે વહેંચાય છે. આ સાદી લાગતી પરંપરા પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ નાના વેપારીઓ માટે રોજગારીની મોટી તક પણ છુપાયેલી છે. જોકે, હવે હોળીની ધાણી પણ ફ્લેવરવાળી બની રહી છે. પહેલા માત્ર જુવારની ધાણી આવતી હતી તેની સાથે હવે મકાઈની ધાણી પણ આવી રહી છે. આ ઉપરાંત ધાણીનો વિવિધ પ્રકારનો ચેવડો પણ બજારમાં વેચાણમાં જોવા મળી રહ્યો છે. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સુરત શહેરમાં તહેવારનો માહોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રંગ-ગુલાલ સાથે સાથે પરંપરાગત ધાણીની ખરીદીમાં પણ તેજી આવી છે. શહેરમાં ફૂટપાથથી માંડીને મોટા મોલ અને સુપર સ્ટોર્સ સુધી ધાણીના વેચાણે જોર પકડ્યું છે. દર વર્ષે જેમ હોળી નજીક આવે છે તેમ બજારમાં ધાણી–ચણાની માંગ વધે છે અને આ વર્ષે પણ એ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. 

હોળીમાં ધાણી-ચણા આરોગવાની પરંપરા : આયુર્વેદમાં ઉલ્લેખ સાથે વૈજ્ઞાનિક સમર્થન

હોળીનો તહેવાર મિશ્ર ઋતુ એટલે કે ઋતુ પરિવર્તન સાથે જોડાયેલો છે. ફાગણ મહિનામાં શિયાળો પૂર્ણ થતો અને ઉનાળાની શરૂઆત થતી હોય છે. આયુર્વેદ મુજબ આ સમયમાં શરીરમાં ‘કફ દોષ’ વધે છે. કફના વધારાથી શરદી-ઉધરસ, એલર્જી અને થાક જેવી સમસ્યા વધવાની શક્યતા રહે છે. ધાણી અને ચણા સૂકા અને ગરમ ગુણધર્મ ધરાવતા હોવાથી કફ શામક માનવામાં આવે છે.

શિયાળામાં ભારે અને તૈલીય ખોરાક લેવાતા હોવાથી પાચનતંત્ર પર ભાર પડે છે. હોળી પર ભૂંજેલા અનાજનું સેવન પાચનક્રિયા સુધારે છે અને જઠરાગ્નિ પ્રજ્વલિત કરે છે. ચણામાં પ્રોટીન અને ફાઇબર વધુ પ્રમાણમાં હોવાથી આંતરડાંને શુદ્ધ રાખવામાં મદદરૂપ બને છે. આયુર્વેદિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ઋતુસંધિ સમયે હલકો અને સૂકો આહાર શરીરને નવી ઋતુ માટે તૈયાર કરે છે. ધાણી-ચણાનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક બને છે. આ રીતે હોળીની પરંપરા માત્ર ભક્તિભાવ પૂરતી સીમિત નથી, પરંતુ આયુર્વેદિક વિજ્ઞાન સાથે જોડાયેલી આરોગ્ય દાયી જીવનશૈલીનો પણ સંદેશો આપે છે.



Source link

Related Articles

Back to top button