ઈરાન યુદ્ધને પગલે ભારતમાં ઍલર્ટ! રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર | mha alert india protests khamenei death middle east tension

MHA Advisory India: મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.
દેશભરમાં કાયદો અને વ્યવસ્થા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા : ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ ભાગોમાં પડી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ખુફિયા એજન્સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ સુરક્ષા તૈનાત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ કે અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ અપાયા છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ
ખામેનેઈના મોત બાદ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન
ખામેનેઈના મોત બાદ ભારતના અનેક હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો ખામેનેઈના સમર્થનમાં એકજૂથ થઈને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સ્થિતિ ભારત માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે દેશમાં શાંતિ અને કોમી સૌહાર્દ જાળવી રાખવો અત્યારે સૌથી મોટું લક્ષ્ય છે.



