પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked the pregnant woman to the ambulance placing her on a stretcher

![]()
નસવાડી,નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો હતો. પરંતુ, ગામ સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી નહીં શકતા ગ્રામજનો બે કિલોમીટર સુધી કાચા રસ્તે પગપાળા ચાલીને તેને સ્ટ્રેચરમાં ઉચકી ને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં છેવાડાનું કુપ્પા ગામ આવેલું છે. આઝાદીના વર્ષો પછી પણ કુપ્પા ગામે પહોંચવા માટે પાકા રસ્તા ની સુવિધા મળી નથી. કુપ્પા ગામની રમીલાબેન દિનેશભાઈ ડુંગરાભીલ સગર્ભા હતી અને તેની પ્રથમ પ્રસૂતિ હતી તેને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ઘરે જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને બાળક ને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળકની તબિયત વધુ લથડતા મહિલાને દુગ્ધા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્દમાં સારવાર માટે લઈ જવાની હતી. મહિલાને સ્ટ્રેચરમાં રાત્રે બેટરીના અજવાળામાં કુપ્પાથી બે કિલોમીટર ચાલીને સાકડીબારી ગામે ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી મહામુસીબતે પરિવારજનો લઇ ગયા હતા. અંધારા માં કાચા રસ્તા ઉપર પગ માં પથ્થરો પણ વાગતા હતા. ખભા ઉપર વજન હોવાથી ઢાળ વાળા રસ્તા ઉપર યુવાનો ને ચાલવામાં ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. મહામુસીબતે આ મહિલા ને ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. મહિલાને દુગ્ધા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી ત્યારે તંત્ર ના અધિકારીઓ ઊંઘી રહ્યા હતા. જ્યારે બીજી તરફ ગરીબ પરિવાર પ્રસૂતાને જીવના જોખમે લાવ્યો હતો. વિકાસની ગુલબાંગો વચ્ચે આઝાદીના વર્ષો પછી પણ કુપ્પા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં ઘણી વખત કાચા રસ્તાના કારણે મહિલાઓને પ્રસૂતિનો દુઃખાવો ઉપડે ત્યારે તેઓને ઝોળીમાં લઈ જવાનો પણ વારો આવતો હતો. હવે ઝોળી ની જગ્યા સ્ટ્રેચરે લીધી છે, પરંતુ પરિસ્થિતિ અને મુશ્કેલીઓ હજી પહેલા જેવી જ છે.



