‘ઈરાનનું નવું નેતૃત્વ વાતચીત કરવા તૈયાર, હું સામેલ થવા સહમત’, ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો | israel us iran war donald trump big claim 48 iranian leaders killed in strike

![]()
Israel-US Iran-war: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સામે ઈઝરાયલ અને USની સ્ટ્રાઈકમાં 48 નેતા માર્યા ગયા છે. તેમણે અમેરિકા અને ઈઝરાયલના આ ઓપરેશનને સફળ અને અપેક્ષાથી વધુ તેજીથી આગળ વધતું જણાવ્યું. આ દરમિયાન ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે ઈરાનના નવા લીડરે અમેરિકા સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે.
‘એક જ ઝટકામાં 48 નેતાને હટાવી દીધા’
ફોક્સ ન્યૂઝ સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે, અમને જે સફળતા મળી રહી છે, તેના પર કોઈને વિશ્વાસ નથી આવી રહ્યો, એક જ ઝટકામાં 48 નેતાને હટાવી દીધા, આ પ્રક્રિયા તેજીથી આગળ વધી રહી છે. ટ્રમ્પે CNBC સાથે કરેલી ચર્ચામાં જણાવ્યું કે, ઈરાનમાં અમેરિકાનું સૈન્ય અભિયાન નિર્ધારિત સમયથી આગળ અને ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે.
‘ઈરાનનું નવું નેતૃત્વ વાતચીત કરવા માગે છે’
અન્ય અલગ અલગ ન્યૂઝ એજન્સી સાથેના વાર્તાલાપમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે, ઈરાનનું નવું નેતૃત્વ વોશિંગ્ટન સાથે વાતચીત કરવા માંગે છે, આ પહેલા કરવું જોઈતું હતું, તે સમજૂતી કરી શકતા હતા. પરંતુ તેમણે ચાલકી દેખાડી, હું પણ વાતચીતમાં સામેલ થવા સંમત છું, ત્યાં (ઈરાન) લોકો રસ્તા પર ઉતરી જશ્ન મનાવી રહ્યા છે. પરંતુ સાથે જ ભારે માત્રામાં બોમ્બ પર ઝીંકાઈ રહ્યા છે.
ઈરાનના લોકોને નેતન્યાહૂ અપીલ
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના લોકોને સીધી અપીલ કરી છે કે, તે પોતાના દેશની હાલની સત્તા વિરુદ્ધ ઉભા થાય. અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ નેતન્યાહૂ મોટા પ્રમાણમાં ઈરાનમાં શાસક પક્ષના વિરોધમાં પ્રદર્શન શરૂ થાય તેવી કોશિશ કરી રહ્યા છે, નેતન્યાહૂએ ‘એટેક પાર્ટ 2’ને મંજૂરી આપતા કહ્યું કે ‘રોકાયા વગર ઈરાન પર હુમલો કરતાં રહીશું’
‘હજારો ઠેકાણા પર હુમલા કરીશું’
હાલ જ ઈઝરાયલે ઈરાન પર કરેલા ઘાતક હુમલાઓ બાદ વડા પ્રધાન નેતન્યાહૂએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે, ‘આવનારા દિવસોમાં આતંકી શાસનના હજારો ઠેકાણા પર હુમલા કરવામાં આવશે. અમે એવી પરિસ્થિતિઓ બનાવીશું કે ઈરાનના બહાદુર લોકો સરમુખત્યારશાહીની સાંકળોથી મુક્ત થઈ શકે. તેથી જ હું ફરી એકવાર તમારી સાથે વાત કરી રહ્યો છું.આ સમયને ‘દુર્લભ ઐતિહાસિક તક’ ગણાવી અને લોકોને ચૂપ ન રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું, ‘ઈરાનના નાગરિકો, આ મોકાને હાથમાંથી ન જવા દો. આવો મોકો દરેક પેઢીમાં માત્ર એક જ વખત આવે છે, ચૂપચાપ ન બેસો, તમારો સમય જલદી આવવાનો છે. તેમણે લોકોને લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરવા અને સામૂહિક રીતે વર્તમાન વ્યવસ્થાને ઉથલાવી દેવા અપીલ કરી.’



